Bhavnagar તા.12
ભાવનગરના જૈન તીર્થધામ પાલિતાણામાં આજે તા.12ને ફાગણ સુદ-13ના રોજ છ’ગાઉની પરંપરાગત યાત્રા નો વહેલી સવારે પ્રારંભ થયો હતો.. તે પૂર્વે ગઈકાલ તા. 11ના રોજ કચ્છી સમાજ દ્વારા છ’ગાઉની યાત્રા કરવામાં આવી હતી. જેમાં ત્રણેક હજાર યાત્રિકો યાત્રા કરી હતી. આજે સવારે જપ તળેટીથી યાત્રાનો પ્રારંભ થઈ ચંદન તલાવડી ખાતે ધાર્મિક વિધિ પૂર્ણ કરી સિદ્ધવડ ખાતે યાત્રા પૂર્ણ થશે.
35થી વધુ સંઘો અને યાત્રિકો દ્વારા સંઘ પૂજન કરાશે. 88 ભક્તિપાલ ઉભા કરી યાત્રિકો માટે ચા-દૂધ, ઉકાળો, ગાંઠિયા, થેપલા, દહીં, ફૂટ, ખાખરા, લચ્છી, છાશ, પૂરી અને સાંજે ચૌવિહારની પણ વ્યવસ્થા વ્યક્તિપાલમાં કરાઈ છે.
છ’ગાઉ યાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય અને યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તે માટે શેઠ આણંદજી કલ્યાજી પેઢી દ્વારા સિક્યુરીટી, ઉકાળેલું પાણી, મેડિકલ ટીમની માર્ગમાં સેવા પૂરી પડાઇ છે. ભાવનગરેના પ્રાર્થના યુવક મંડળના 100થી વધુ, પાલિતાણાજૈન સંઘ અને અન્ય શહેરના સંઘોના યુવાનો મળી 1500થી વધુ સ્વયંસેવકો જય તળેટીથી સિદ્ધવડ સુધી સેવામાં ખડેપગે હતા. છ’ગાઉ યાત્રાને લઈ એસ.ટી. વિભાગ તરફથી સિદ્ધવડથી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી છે.
પાલીતાણામાં છ ગાઉની મહાયાત્રા આદિશ્વર દાદાના જયઘોષ સાથે અને જૈનમ જયતી શાસનમ ના નારા સાથે પ્રારંભ થયો હતો. આ પ્રસંગે માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો. યાત્રીકો એ શ્રદ્ધાપૂર્વક વાદળછાયા વાતાવરણની વચ્ચે છ ગાઉની મહાયાત્રા પૂર્ણ કરી હતી અને સિદ્ધવડ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં યાત્રિકો ની ભક્તિ માટે ના 88 પાલ ઉભા કરાયેલ હતા. દેશ વિદેશમાં જૈનોના યાત્રાધામ તરીકે વિખ્યાત પાલીતાણા ખાતે શેત્રુંજય ની ફાગણ સુદ તેરસની છગાઉની મહાયાત્રામાં જૈન-જૈનેતર ભાવિકજનો મોટી
સંખ્યામાં ઉમટી જોડાયા હતા. જૈનોમાં અતિ મહત્વની ગણાતી ફાગણ સુદ તેરસની મહાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ આવેલ હતો અને ઉત્સાહ તેમજ શ્રદ્ધાપૂર્વક ગિરિરાજની છગાઉની યાત્રા કરી હતી.
આ પ્રસંગે મોટાભાગની ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ગયેલ છે. ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી તેમજ સૌરાષ્ટ્ર કચ્છ રાજકોટ ભાવનગર જિલ્લાઓમાંથી યાત્રિકો મોટી સંખ્યામાં આવ્યા હતા. યાત્રિકોની સુવિધા માટે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા પાણી, સિક્યુરિટી, મેડિકલ તેમજ પાલની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી.
જે લોકો યાત્રા કરવા ગયેલા નહીં તેવો સીધા વાહનો દ્વારા આદપુર ખાતે આવી પહોંચેલા હતા. એસ.ટી. દ્વારા પણ ઢેબરભાઈ મેળા માટે આદપુર જવા વિશેષ વધારાની બસો ચલાવવામાં આવી હતી. તો મુંબઈ થી યાત્રીકોને લઈને ખાસ વધારાની ટ્રેન પણ પાલીતાણા આવી હતી. આદપુર પાલીતાણા થી આઠ કિ.મી દૂર છે. આદપુર ખાતે 88 પાલ ઊભા કરવામાં આવેલ. જેમાં દહી, ઢેબરા, છાશ, ફ્રુટ, ગુંદી, સેવ, સાકરનું પાણી, ઉકાળો, સૂકો મેવો, ચા જેવી વિવિધ વસ્તુઓ યાત્રિકોને પીરસવામાં આવેલ હતી.
યાત્રિકો છ ગાઉની યાત્રા પૂર્ણ કરી આદપુર ખાતે આવેલ જ્યાં દરેક યાત્રીકોનું જુદા જુદા સંઘો દ્વારા પગ ધોઈ ચાંદલો કરી સંઘ પૂજન કરવામાં આવેલ હતું. પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યાત્રિકોની સેવા માટે પ્રાર્થના યુવક મંડળ સહીત જુદા જુદા જૈન સંઘોના સ્વયંસેવકોએ સરાહનીય કામગીરી
શેત્રુંજય તીર્થની ભારે કઠિન ગણાતી છ ગાઉની યાત્રા નો ભારે મહિમા છે. તેમાં 105 મોટા દેરાસરો છે તેમજ 3364 પગથિયાં છે તેમજ 2707 જિનબિંબો બિરાજમાન છે. 3507 નાના મોટા જૈન મંદિરો છે અને 2000 ફુટ ગીરીરાજ ની ઊંચાઈ છે તેમજ સાડા સાત માઈલ નો ધેરાવો છે. ગિરીરાજ ઉપર ચડવાનો માર્ગ બે માઈલ અને છે ફલાંગ છે.
પાલીતાણામાં ડોળી કામદારોને હેરાન પરેશાન અને માનસિક ત્રાસ અપાતો હોય તેની સામે પગલાં લેવા ત્રણ દિવસથી હડતાલ ઉપર ઉતર્યા છે. આજે ચોથા દિવસે પણ ડોળી કામદારોની હડતાલ શરૂ રહી હતી. આજે ફાગણ સુદ તેરસ હતી અને યાત્રીકોએ આજે છગાઉની યાત્રા કરી હતી. વૃધ્ધો અને અશક્ત લોકો ડોળી ન મળવાથી હેરાન પરેશાન થઈ ગયેલ. ડોળી ન મળવાથી તેઓ યાત્રા પણ કરી શકેલ નથી.
ડોળી કામદારોની હડતાલ પડવાથી રાજ્યભરમાં જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડેલ છે. ગત સાંજના પ્રાંત કચેરીમાં ડોળી કામદારોની મિટિંગ મળેલ હતી. જેમાં ડોળી કામદારોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રશ્નો રજૂ કરેલ હતા.
પાલીતાણાના પ્રાંત અધિકારી અંકિત પટેલે જણાવેલ કે ડોળી કામદારો સાથે મીટીંગમાં સમાધાનના મુદ્દાઓ મૂકવામાં આવેલ છે. હડતાલ પરત લેવાનો નિર્ણય થયેલ નથી. હડતાલ સમેટાઈ જાય તે સૌના હિતમાં છે. હવે સમેટવી કે નહીં તેનો નિર્ણય ડોળી કામદારો લેશે.
ડોળી લેબર યુનિયન ગ્રામ્ય સિટીના પ્રમુખ નાનુભાઈ મકવાણાએ જણાવેલ કે ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં મિટિંગમાં ડોળી કામદારોએ પગલાં લેવાની માગણી કરેલ. તેની સામે તંત્ર ચુપકીદી સેવી રહ્યું છે અને પગલાં લેતા અચકાઈ રહ્યું છે.
ડોળી કામદાર યુનિયન ના પ્રમુખ ભરતભાઈ રાઠોડે જણાવેલ કે, પાલીતાણા માં વર્ષોથી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા શ્રમિક ડોળી કામદાર ભાઈઓ-બહેનો જે પાલીતાણામાં આવતા મુખ્ય તહેવારો માં આવતા યાત્રિકો પાસે થી મજૂરી ની સારી એવી આશા હોય છે ત્યારે પોતાના અંગત સ્વાર્થ ખાતર હજારો મજૂરો ની રોજી રોટી નો પ્રશ્ન ઉભો થયો છે એ દુ:ખ છે.
બે હજાર જેટલા ડોળી કામદારો અને તેડાગરો તથા મજુરોની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે. ચાર દિવસ થી લોકો રોજીરોટી વગર ના છે, યાત્રિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પરંતુ તંત્ર સમય પસાર કરી રહ્યું છે.
લગભગ પંદર વર્ષ પહેલાં ફાગણ સુદ તેરસ ની મહાયાત્રા પ્રસંગે પણ ડોળી કામદારો હડતાળ ઉપર ઉતર્યા હતા. આજે ફરીવાર ડોળી કામદારો ફાગણ સુદ તેરસ ના રોજ હડતાળ ઉપર ઉતર્યા છે.