New Delhi તા.12
સુપ્રિમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું કે દંપતિ વચ્ચેના ઝઘડા-વિવાદના સમાધાનમાં પતિ દ્વારા પત્નિને ફલેટ આપવામાં આવે તો તેના રજીસ્ટ્રેશન પર સ્ટેમ્પ ડયુટી ન લાગે.
છુટાછેડાનાં એક કેસમાં દંપતિ વચ્ચે સમાધાન થયુ હતું. પતિએ પત્નિને પોતાનો ફલેટ આપવાનું સ્વીકાર્યું હતું. પત્નિએ ભરણપોષણનો દાવો પડતો મુકયો હતો. આ કેસમાં દંપતિનો ફલેટ મહારાષ્ટ્રનાં કલ્યાણમાં હતો.દંપતિ વચ્ચે તકરાર સર્જાતા વાત છુટાછેડા સુધી પહોંચી હતી.
આ કેસ સમાધાન માટે મોકલવામાં આવ્યો હતો. સમાધાન પ્રક્રિયા દરમ્યાન મુંબઈના ફલેટનો મુદ્દો ઉપસ્થિત થયો હતો. પતિ-પત્નિ બન્નેએ તેમાં નાણાકીય યોગદાન આપ્યાનો દાવો થયો હતો. છેવટે ફલેટ પત્નિને આપી દેવા તથા તેના બદલામાં ભરણપોષણનો દાવો પડતો મુકવાની સમજુતી થઈ હતી.
આ પછી મામલો સુપ્રિમ કોર્ટનાં જસ્ટીસ વિક્રમનાથ તથા જસ્ટીસ સંદિપ મહેતાની બેંચ સમક્ષ આવ્યો હતો. ફલેટમાં નામ ટ્રાન્સફર માટે સ્ટેમ્પ ડયુટીનો મુદ્દો ઉપસ્થિત થયો હતો.
સુપ્રિમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે સમાધાનનાં ભાગરૂપે આ ફલેટની સોંપણી છે અને એટલે જ અદાલતી કાર્યવાહીનો વિષય બને છે. રજીસ્ટ્રેશન એકટ 1908 હેઠળ અપાયેલી છુટ્ટ આ કેસમાં લાગુ થશે ફલેટ પત્નિના નામે ટ્રાન્સફર રજીસ્ટ્રેશન પર કોઈ સ્ટેમ્પ ડયુટી લાગુ નહિં થવાના આદેશ કર્યો છે.
સુપ્રિમ કોર્ટનાં આ ચુકાદાની વ્યાપક અને દુરગામી અસર થઈ શકે છે. પારિવારિક વિવાદો ઉકેલવામાં સરળતા થઈ શકે છે. કોઈપણ સંપતિનું હસ્તાંતરણ ન્યાયતંત્ર દ્વારા સ્વીકૃત સમાધાનનો ભાગ હોય તો સ્ટેમ્પ ડયુટીમાં છુટ મળી શકે છે.