Surat,તા.11
દેશભરમાં AI અને ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં અંધશ્રદ્ધાના નામે થતાં ગુનાઓ વધી રહ્યાં છે. સુરતમાં પણ આવી જ એક ઘટના બની છે જેમાં, શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતી મૂળ અમરેલીની 42 વર્ષીય પરિણીતા સાથે તેના ફોઈજીના દીકરા એવા ધારીના ચરખા ગામના ભુવાએ તાંત્રિક વિધિના બહાને દોઢ મહિના અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ આ અંગે રત્નકલાકાર પતિને જાણ કરતા તેમણે ફોન કરી ભુવાને સુરત બોલાવ્યો હતો. જોકે, આવું કૃત્ય કર્યાનો ઈનકાર કરી સુરત બોલાવવા છતાં ભુવો આવ્યો નહોતો. ત્રણ દિવસ અગાઉ સુરત આવી ભુવાએ ભૂલ કબૂલતા આખરે પરિણીતાએ કાપોદ્રા પોલીસ મથકમાં આજરોજ તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ અમરેલીના વતની અને સુરતમાં પુણાગામ વિસ્તારમાં 17 વર્ષની પુત્રી અને 15 વર્ષના પુત્ર સાથે રહેતા રત્નકલાકારની 42 વર્ષીય પત્ની નિશા (નામ બદલ્યું છે) ઘરે સાડી ઉપર સ્ટોન લગાવવાનું કામ કરે છે. ગત 19 જાન્યુઆરીના રોજ અમરેલીના રહેવાસી ભુવા તરીકે વિધિ કરતો નિશાના ફોઈજીનો દીકરો ભરત કુંજડીયા, પિતરાઈ ભાઈ અતુલ, પુત્ર ધ્રુવ અને સેવક સાથે સુરત આવ્યો હતો. બે દિવસ બાદ તેઓ નિશાના પતિને લઈ સંબંધીઓને ત્યાં ગયા હતા. ઘરે પરત ફરતી વેળા ભરતે નિશાના પતિ પાસે બજારમાંથી ફૂલ લેવડાવ્યા હતા અને ઘરે આવી જમી પરવારી રાત્રે 12:30 વાગ્યે નિશા અને તેના પતિને કહ્યું હતું કે, તમારે યોગ પાક્યો છે તેથી તમારા ભાગ્ય ખુલી ગયા છે. બાદમાં ભરતે વિધિનો સામાન મંગાવી પોતાની પાસેનો સામાન કાઢી વિધિમાં નિશા અને તેના પતિને બેસાડી ઘરમાં અંધારું કરાવી મંત્રો બોલવાનું શરૂ કર્યું હતું.