Rajkot,તા.10
કણકોટ પાટિયા નજીક કેરી પીકઅપ વાન અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા વીરડા વાજડીમાં રહેતા બાઈક ચાલક યુવકનું ગંભીર ઇજા થતા મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે યુવકના પરિવાજનોની ફરિયાદના આધારે પીકઅપ વાનના ચાલક સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ ઉપર વીરડા વાજડી ગામે રહેતો અને જ્યોતિ સીએનસી કંપનીમાં કામ કરતો પ્રકાશ ભરતભાઈ બામણીયા (ઉ.વ.32)નો યુવક ગઈકાલે બપોરે બે વાગ્યે કારખાનાંથી છૂટીને ઘરે આવતો હતો ત્યારે કણકોટ નજીક પાછળથી પુરપાટ ઝડપે ઘસી આવેલ ટેમ્પો કેરી વાન નં. જીજે-03-બીવાય-1288 ના ચાલકે બાઇકને ઠોકરે લેતા યુવક રોડ ઉપર ફંગોળાતા ગંભીર ઈજાઓ થઇ હતી.
અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને પસાર થતા સાથી કર્મચારી જોઈ જતા તાકીદે 108ને જાણ કરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર યુવકને બે સંતાન છે જેણે પિતાનું છત્ર ગુમાવી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કેરીવાન ચાલકની શોધખોળ હાથ ધરી છે.