Bhavnagarની મેડિકલ કોલેજમાં જુનિયર્સનું અપહરણ કરીને સિનિયર્સે માર માર્યો, ગાંજા માટે ૧ લાખ માંગ્યા

Share:

Bhavnagar,તા.૮

શહેરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ૨ જુનિયર ડૉક્ટરોનું તા.૬ માર્ચની રાત્રીના ૧૦.૩૦ કલાકે ૨ સિનિયર ડોકટર, ૪ સાથી ડોકટરો તેમજ ૨ અન્ય લોકોએ અપહરણ કરી શારીરિક અને માનસિક યાતના આપી ૫ કલાક સુધી ઢોર માર મારવાની ઘટના તેમજ માર માર્યો હતો. જેના બાદ ફરી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં લાવી વધુ એક જુનિયર ડોકટરને તેના રૂમમાંથી ઉઠાવી લાવી ત્રણેય ડોકટરોને એકરૂમમાં રાખી માર મારવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. ભારે યાતનાનો ભોગ બનેલા ત્રણેય જુનિયર ડોકટરોને ગત રાત્રિના એટલે કે ૭ તારીખે સારવાર માટે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસે પણ આ ઘટનામાં ત્રણેય ડોકટરોની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં તૈયાર થઈ રહેલા ૩ ભાવિ જુનિયર ડોકટરોનું તેના જ સિનિયર અને સાથી ડોક્ટરો દ્વારા અપહરણ અને રેગીંગ કરી ૫ કલાક સુધી ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગત તા.૬ ના રોજ રાત્રીના ૧૦.૩૦ કલાકે મેડિકલ કોલેજમાં રહેલા જુનિયર ડો. આકાશ આનંદભાઈ કળથીયા તેમજ ડો.ઈશાન કીર્તિકુમાર કોટક ને કોલેજની બહાર બોલાવી સિનિયર ડોકટર બલભદ્ર ગોહિલ તેમજ અભિરાજ પરમાર દ્વારા કારમાં અપહરણ કરી ઉઠાવી લઈ ગયા હતા. તેમજ શહેરના વિવિધ માર્ગો પર ૪૦ મિનિટ સુધી કારમાં ફેરવી ઢોર મારમારી બાદમાં શહેરના હિલદ્રાઈવ વિસ્તારની એક અવાવરું જગ્યા પર લઈ ગયા હતા. જ્યાં અન્ય એક કારમાં અન્ય સાથી ડોક્ટરો જેમાં નરેન ચૌધરી, મન પટેલ, મિલન કાકલોતર, પિયુષ ચૌહાણ તેમજ ૨ અન્ય ઈસમો જેડી અને કાનો નામના વ્યક્તિ હાજર હતા.

અપહરણ કરનાર ૨ સિનિયર, ૪ સાથી જુનિયર અને અન્ય ૨ ઈસમો ગાંજાના વ્યસની હોય ત્યાં જ ગાંજાનો નશો કરી આ બંને ડોકટરોને ઢોર માર માર્યો હતો તેમજ દુષ્કર્મ આચરવાની ધમકી આપી બીભત્સ ગાળો આપી હતી. ત્યાર બાદ ૫ કલાક સુધી રાત્રીના ૩.૩૦ સુધી માર માર્યો હતો. તેમજ બંને ડોક્ટરોના મોબાઈલ છીનવી તેમાંથી તેમના પર્સનલ વીડિયો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ગંજેરી ડોકટરોએ તેમણે ખરીદી કરેલા ગાંજાના બાકી બિલ પેટે ૧ લાખ રૂપિયાની માંગ પણ કરી હતી. ધાકધમકી અને માર માર્યા બાદ બંનેને કાલુભા રોડ પરની બોયસ મેડિકલ હોસ્ટેલમાં લઈ ગયા અને ત્યાં ત્રીજા ડોક્ટર એવા અમન જોશીને તેના રૂમમાંથી સૂતો હતો ત્યાંથી ઉઠાવી લાવ્યા હતા. તેને પણ ર્નિવસ્ત્ર કરી માર માર્યો હતો અને તેની મરજી મુજબ કામ કરવા ધમકી આપી મજબુર કર્યા હતા.

ડરી ગયેલા આ ત્રણેય ડોકટરોની વહારે અન્ય જુનિયર ડોકટરો પણ પહોંચ્યા હતા અને મેડિકલ કોલેજના ડિન સહિતના લોકો સાથે આ ઘટના અંગે વાતચીત કરી ત્રણેયને સર.ટી.હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતા. પોલીસને જાણ કરતા પોલીસે ત્રણેય ભોગ બનનાર જુનિયર ડોક્ટરોના નિવેદન લઈ ૨ સિનિયર, ૪ સાથી જુનિયર તેમજ અન્ય ૨ મળી કુલ ૮ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાના પગલે રાત્રીના જુનિયર ડોક્ટરોના ટોળા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને તંત્ર અને સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી. આમ સિનિયર અને સાથી ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા અપહરણ, રેગીંગ, ધમકી તેમજ ઢોર માર મારવાની ઘટનાને પગલે ભાવનગર સરકારી મેડિકલ કોલેજ મેનેજમેન્ટ સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *