ભાવનગર શહેર સાથે જિલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચાવતાં બનાવની વિગત એવી છે કે, ભઆવનગર શહેરના ચિત્રા માકેર્ટિંગ યાર્ડ વિસ્તારમાં રહેતાં ગુલામભાઈ રાજાણી આજે બપોરના ચાર કલાક આસપાસ ચિત્રામાં જ આવેલી સ્ટેટ બેંક ઓફઈન્ડિયાની બ્રાન્ચમાં ગયા હતા. અને ત્યાંથી રોકડા રૂા.૭૫ લાખ બેગમાં મુકી બેંકની બહાર આવવ્યા હતા. જો કે, તેઓ બેંકથી અંદાજે ત્રિસેક કિ.મી. દૂર પહોંચ્યા ત્યારે એકટિવા પર આવેલાં ત્રણ અજાણ્યા લૂંટારાએ તેમને આંતર્યા હતા. અને તેમના હાથમાં રહેલી રોકડ ભરેલી બેગ ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો. જો કે, યુવાન અને લૂંટારા વચ્ચેની ઝપાઝપીમાં યુવાનના હાથમાંથી બેગ છૂટી જતાં એકટિવા સવાર લૂંટારા રૂા.૭૫ લાખની રોકડ ભરેલી બેગ લઈને નાસી છૂટયા હતા. બીજી તરફ, ધોળા દિવસે સરાજાહેર રસ્તા પર બનેલી લૂંટની આ ઘટનાને લઈ સ્થાનિક વિસ્તારમાં રીતસર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જયારે, બનાવ અંગે યુવકે પોલીસને જાણ કરતાં જિલ્લા પોલીસ વડા , બોરતળાવ પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ડૉગ સ્કવોર્ડ સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
બનાવની ગંભીરતાને લઈ પોલીસે અલગ-અલગ દિશામાં તપાસને આગળ વધારવાં અલગ-અલગ ચારથી વધુ ટીમ બનાવી હતી. તો, ભોગગ્રસ્ત યુવાનના નિવેદન મુજબ લૂંટારાનો સ્કેચ બનાવની તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જયારે, પોલીસની અન્ય એક ટીમે નેત્રમ મારફતે ઘટના સ્થળથી લઈ શહેરના વિવિધ પ્રવેશદ્રાર સુધીના સીસીટીવી તપાસ્યા હતા.અને ભોગગ્રસ્ત યુવાનનું નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. જો કે, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવાન દ્વારા અપાતાં નિવેદનમાં વિસંગતતા જણાતાં પોલીસે તેમની સામે પણ શંકાની સોય તાંકી હતી . જો કે, હાલ પોલીસે લૂંટની ઘટનાને કેન્દ્રમાં રાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જિલ્લા પોલીસ વડાએ વિગત આપતાં જણાવ્યું હતું. જયારે, બનાવને લઈ મોડીરાત સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળેલ છે.
શહેરના ચિત્રા વિસ્તારમાં બનેલી રૂા.૭૫ લાખની રોકડ ભરેલી બેગની ધોળા દિવસે લૂંટની ઘટનાને સમંર્થન આપતાં ભાવનગર જિલ્લા પોલીસ વડા ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું કે, લૂંટના બનાવમાં ભોગ બનનાર દ્વારા નિવેદનમાં વારંવાર ફેરફાર આવે છે જેના કારણે લૂંટનો બનાવ બન્યો છે, કે કેમ તે તપાસનો વિષય છે.તેમજ ભોગ બનનાર હાલ શંકાના ડાયરામાં હોવાનું જણાવ્યું હતું.તેમણે યુવાનની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જણાવી પોલીસ વડાએ ઉમેર્યું કે, યુવાન દ્વારા બેંકમાંથી પૈસા ઉપાડયા હોવાની પણ ખરાઇ કરવામાં આવી છે અને બેંકના સીસીટીવી પણ મેળવી લેવામાં આવ્યા છે જેમાં તે રોકડ લઈને બેંક બહાર જઈ રહ્યા હોય તેમ જણાય છે. જો કે, હાલ પોલીસ તમામ શક્યતાઓ વચ્ચે લૂંટનો ગુન્હો ઉકેલવા પ્રયત્નશીલ બની છે તેમ ઉમેર્યું હતું.