ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલ મેચ પછી ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે બેટ્સમેન વિરાટ કોહલીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, વિરાટની 84 રનની ઇનિંગે અમને ઓસ્ટ્રેલિયા સામે વિજય અપાવ્યો. તે જાણે છે કે રન બનાવવા માટે તેણે શું આયોજન કરવું પડશે. તે દબાણમાં પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું જાણે છે.
મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે કહ્યું કે વિરાટ એક મહાન ODI ક્રિકેટર છે. હવે ભલે તેઓ પહેલા બેટિંગ કરે કે પીછો કરે. તેઓ જાણે છે કે, મુશ્કેલ સમયમાં કેવી રીતે પ્રદર્શન કરવું. આ જ કારણ છે કે તેણે ODI ક્રિકેટમાં અનોખા રેકોર્ડ બનાવ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ સામે રમાયેલી ODI મેચો દરમિયાન લેગ સ્પિનરો સામે વિરાટનું પ્રદર્શન નબળું રહ્યું હતું. ત્યારે પણ ગંભીરે વિરાટનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિરાટે ભારત માટે 300 વનડે રમી છે. હવે જો તે કેટલાક સ્પિનરો સામે આઉટ થઈ જાય તો પણ કોઈ વાંધો નથી.
ગંભીરે એમ પણ કહ્યું કે વિરાટ અને કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ મેચોમાં ઘણા રન બનાવી શક્યા નથી. આમ છતાં, આપણે ODI ફોર્મેટમાં તેની ક્ષમતા પર શંકા કરી શકીએ નહીં.