Virpur તા.5
લાખો શ્રધ્ધાળુઓના હૃદયમાં સ્થાન ધરાવતા સંત શિરોમણિ, વીરપુરના વાસી પૂ.જલારામ બાપા વિષે ટિપ્પણી કરનારા અમરોલી (સુરત)ના સ્વામી જ્ઞાનપ્રકાશે આજે વીરપુર પૂ.જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂ.રઘુરામ બાપાની ફોન પર માફી માગી લેતા હાલ મામલો શાંત પડયો છે.
સ્વામી જ્ઞાનપ્રકાશે ફોનમાં માફી માગતા જણાવેલ કે, મારાથી અક્ષમ્ય ભૂલ થઈ છે. હું માફી માગુ છું. હું અનુકુળતાએ વીરપુર આવીને પૂ.જલારામ બાપાના સ્થાને મસ્તક ટેકવીને ક્ષમા માગીશ અને આપની પાસે આવીને ક્ષમાયાચના કરીશ. ઉદાર હૃદયના પૂ.રઘુરામ બાપાએ હૃદયની વિશાળતા દાખવીને સ્વામી જ્ઞાનપ્રકાશને માફ કર્યા છે. પૂ. રઘુરામ બાપાના નિવેદનથી વીરપુરની બજારો ખોલી નંખાઈ છે. આજ સવારથી વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર શરૂ કરી દીધા છે.
હાલ તો મામલો શાંત પડયાનું સમજાય છે. સ્વામી જ્ઞાનપ્રકાશની પૂ.જલારામ બાપી વિષે કરેલી ટિપ્પણીથી સમગ્ર સૌરાષ્ટ્ર ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં વાંકાનેર રઘુવંશી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ જાહેર થયો હતો અને સ્વામી માફી ન માગે તો આંદોલનની ચીમકી પણ જલારામ ભકતોએ આપી હતી.
રાજકોટની સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ મહા સંસ્થાન દ્વારા પૂ.જલારામ બાપા વિષે બફાટ નિવેદન કરનાર સાધુ જ્ઞાનપ્રકાશે વીરપુર ધામ ખાતે આવીને પૂ.જલારામ બાપાના ચરણોમાં દંડવત પ્રણામ કરવાની માંગ અલ્પેશભાઈ જોશીએ કરી છે.
ઉના તથા ગીરગઢડા લોહાણા મહાજન દ્વારા સ્વામીએ કરેલા વિધાન સામે રોષ વ્યકત કરીને વિરોધ દર્શાવ્યો છે. આ તકે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કર્યો હતો.
અમરેલીમાં પણ રઘુવંશી સમાજે ઉગ્ર વિરોધ કરીને સ્વામી જ્ઞાનપ્રકાશના નિવેદનને વખોડયું છે અને સ્વામીએ વીરપુર જઈને પૂ.બાપાના ચરણોમાં માફી માંગવી જોઈએ. જો વહેલી તકે સ્વામી ક્ષમા માગવા વીરપુર નહિ જાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
પરંતુ આજે અમરોલી (સુરત)ના સ્વામી જ્ઞાનપ્રકાશે વીરપુર જગ્યાના પૂ.રઘુરામ બાપા સાથે ટેલીફોનિક વાર્તાલાપ કરીને માફી માગી લીધી છે. આથી આ મામલો હાલમાં શાંત પડયો છે. એટલું જ નહિ વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવ સ્વામીએ પણ વીડિયો કોલમાં લોહાણા પરિષદના યોગેશભાઈ ઉનડકટને જણાવેલ કે આ શરમજનક ઘટના છે.
અમે સ્વામી જ્ઞાનપ્રકાશને ઠપકો આપ્યો છે. ફરીવાર આવું ન બને તે માટે ટેમ્પલ બોર્ડના લેટરપેડ પર માફી માગીએ છીએ અને વીડિયો સ્વરૂપે જાહેર કરીશું.
સ્વામી જ્ઞાનપ્રકાશ વીરપુર આવીને માફી માગશે તથા રઘુવંશી સમાજની પણ માફી માગશે. પૂ.જલારામબાપા વિષે જે નિવેદન કયુર્ં છે તેનાથી અમારો સંપ્રદાય દુ:ખી છે. અમારા બોર્ડના તમામ સંતો-મહંતો આ વાતથી દુ:ખી છે.
સંતશિરોમણી પૂ. જલારામ બાપા વિષે ટિપ્પણી કરનાર અમરોલી (સુરત)ના સ્વામી જ્ઞાનપ્રકાશ સામે આજે રઘુવંશીઓ તથા સનાતનની જલારામ ભકતો દ્વારા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે બપોરે 11 વાગ્યે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
આ તકે પોલીસ સાથે દલીલો થતાં પ્રદર્શનકારીઓને ડીટેઈન કરવામાં આવ્યા હતા અને એ ડીવીઝનમાં લઈ જવાયા બાદ છોડી મુકવામાં આવેલ હતા. 10 પ્રદર્શનકારીઓને ડીટેઈન કરાયા હતા.આ પ્રસંગે રઘુવંશી સમાજના ભાઈઓએ સ્વામીનું પુતળું બનાવી લાવેલા હતા અને તેમાં આગળ વધે તે પહેલાં પોલીસે પ્રદર્શનકારીઓને ડીટેઈન કર્યા હતા.