Karnataka,તા.5
વીમા પોલિસીમાં નોમિની સંપૂર્ણ પૈસા માટે હકદાર રહેશે નહીં. કાનૂની વારસદારો પણ વીમા પોલિસીના પૈસાનો દાવો કરી શકે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. જેમાં દીકરાએ લગ્ન પહેલા વીમા પોલિસી લીધી હતી, જેમાં તેણે તેની માતાને નોમિની બનાવી હતી.
વ્યક્તિના મૃત્યુ પછી, માતા અને પત્ની વચ્ચે વીમા દાવા અંગે વિવાદ થયો હતો. જેમાં કર્ણાટક હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે કે, જો મૃતકના કાનૂની વારસદારો પોતાનો દાવો કરે છે, તો વીમા પોલિસીમાં નોમિનીનો વીમા રકમ પર સંપૂર્ણ અધિકાર રહેશે નહીં.
કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, વીમા અધિનિયમ, 1938 ની કલમ 39 નો અર્થ એ નથી કે તે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 જેવા કાયદાઓને ઓવરરાઇડ કરી શકે છે.
નીલવ્વ ઉર્ફે નીલમ્મા વિરુદ્ધ ચંદ્રવ્વ ઉર્ફે ચંદ્રકલા ઉર્ફે હેમા અને અન્યોના કેસમાં આ ચુકાદો આવ્યો હતો. આ કિસ્સામાં, વીમા રકમના વાસ્તવિક દાવેદારો અંગે વિવાદ હતો.
ન્યાયાધીશ અનંત રામનાથ હેગડેએ જણાવ્યું હતું કે, વીમા પોલિસીમાં નોમિનીને ફક્ત ત્યારે જ લાભ મળશે જો મૃતકના કાનૂની વારસદારો દાવો ન કરે. જો પત્ની, બાળકો અથવા માતાપિતા જેવા વારસદારો દાવો કરે છે, તો વીમાની રકમ વારસા કાયદા અનુસાર વહેંચવામાં આવશે.