કચરો-એઠવાડ ફેંકવા બાબતે બે પરિવારો વચ્ચે ઝપાઝપી , અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું
Rajkot,તા.04
શહેરમાં મવડી પોલીસ હેડક્વાર્ટર નજીક બે પરિવારો વચ્ચે એઠવાડ ફેંકવા બાબતે બોલાચાલી થયાં બાદ ઝપાઝપી અને મારામારી થયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે, મારામારી બાદ મામલો થાળે પડી જતાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી.
મામલાની પ્રાપ્ત વિગત અનુસાર મવડી નજીક રૂરલ પોલીસ હેડક્વાર્ટર પાસે ગત રાત્રે એક પરિવારનો જમણવાર પૂર્ણ થયાં બાદ જાહેર રોડ પર એઠવાડ ફેંકવા બાબતે બે અલગ અલગ સમાજના જૂથો વચ્ચે પ્રથમ બોલાચાલી થઇ હતી. જે બાદ બંને જૂથોના સભ્યોએ ટોળાં એકત્રિત કરતા મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બોલાચાલી જોતજોતામાં જ ઝપાઝપી અને મારામારીમાં તબદીલ થઇ ગઈ હતી. જો કે, ત્યારબાદ બંને જૂથો વચ્ચે સમાધાન થઇ જતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો ન હતો. પરંતુ ઘટનાનો વિડીયો વાયરલ થતાં બંને જૂથોમાં દોડધામ મચી જવા પામી હતી.