Rajkot: લાંચના ગુનામાં માર્ગ મકાન વિભાગના ક્લાર્કના જામીન રદ

Share:
પ્રાધ્યાપકને કવાર્ટર ઉપલબ્ધ ન હોવાનું પ્રમાણપત્ર આપવાના બદલામા રૂ.૫,૦૦૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા તા
Rajkot,તા.04
માર્ગ મકાન વિભાગમાંથી પ્રાધ્યાપકને કવાર્ટર ઉપલબ્ધ ન હોવાનું પ્રમાણપત્ર આપવા બદલ રૂ.૫,૦૦૦ની લાંચ લેતા ઝડપાયેલા અને જેલ હવાલે રહેલા ક્લાર્ક રવિ મજેઠીયાની ચાર્જશીટ બાદની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.આ કેસની હકીકત મુજબ કચ્છ ખાતે પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ફરીયાદીની વાંકાનેર ખાતે ટ્રાન્સફર થતા તેઓએ કવાર્ટર ફાળવવા માટે માર્ગ મકાન વિભાગમાં અરજી કરી હતી. સરકારી નિયમ મુજબ રહેણાંક માટેનુ કવાર્ટર ઉપલબ્ધ ન હોય તો સરકારી અધિકારીને ઘર ભાડા ભથ્થુ મળવાપાત્ર હોય છે. આ મુજબ સરકારી ક્વાર્ટર ઉપલબ્ધ ન હોવાનું પ્રમાણપત્ર રજુ થવું જરૂરી છે. પ્રાધ્યાપકે છ માસ પહેલા અરજી કરેલ હતી. જે અંગે માર્ગ મકાન વિભાગ તરફથી કવાર્ટર ફાળવવામાં આવેલ નહોતું. આવુ કવાર્ટર ઉપલબ્ધ ન હોવાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવેલ નહોતું. ફરીયાદી પ્રોફેસરે રાજકોટ ખાતે માર્ગ મકાન વિભાગમાં કલાર્ક રવિ મજેઠીયાનો સંપર્ક કરતા તેણે આવું પ્રમાણપત્ર આપવા બદલ રૂ.૫,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. પ્રાધ્યાપકે એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા છટકામાં આરોપી રવિ મજેઠીયા રૂ.૫,૦૦૦ ની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયો હતો. જેલ હવાલે રહેલા આરોપી ક્લાર્ક રવિ મજેઠીયાએ ચાર્જશીટ બાદ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા , આરોપી સામેના ગુનામાં મહત્તમ સજા ૭ વર્ષની છે તેથી સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ મુજબ આરોપીને જામીન મળવા જોઈએ. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ કે, આ કેસમાં આરોપી રવિ મજેઠીયા જ્યારે રકમ સ્વીકારતા ઝડપાઈ ગયેલ હોય ત્યારે આ રકમ કયા વ્યવહાર પેટે તેણે ફરીયાદી પાસેથી સ્વીકારેલ છે તે અંગે કોઈ જ ચોખવટ નથી. બચાવ પક્ષે લાંચની માંગણી અંગે રેકોર્ડ થયેલ વાર્તાલાપમાં ફકત અસ્પષ્ટતાનો જ બચાવ ઉઠાવેલ છે. જે જામીન મેળવવા માટે પુરતો નથી. ફરીયાદીએ કવાર્ટર માટે જે અરજી કરેલ છે તેમાં કોઈપણ પ્રકારે નાણાકીય લેતી દેતી થવા પાત્ર નથી. તેથી રૂ.૫,૦૦૦ સ્વીકાર્યા અંગેની તમામ જવાબદારી આરોપીના શીરે રહે છે. સરકાર તરફેની આ રજુઆતોના અંતે સ્પેશ્યલ જજ વી.એ. રાણાએ માર્ગ મકાન વિભાગના કલાર્ક રવિ મજેઠીયાની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *