Virpur,તા.4
સંત શિરોમણી, પરમવંદનીય પૂ. જલારામ બાપા વિષે અમરોલી (સુરત)ના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ નિવેદનનો એક વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં લાખો જલારામ ભકતોમાં આક્રોશ છવાયો છે. સમગ્ર ગુજરાત સહિત ઠેર ઠેર રઘુવંશી સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે.
આજે બપોરે વીરપુરમાં સરપંચ રમેશભાઈ સરવૈયાએ પંચાયત કચેરીમાં બેઠક બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા જેમાં એક જ વાત નકકી થઈ કે સ્વામી જલારામ બાપાની જગ્યા પર આવે અને માફી માંગીને માથુ ટેકવે. જો નહિ આવે તો આગળની રણનીતિ તા.6ઠ્ઠી માર્ચના ઘડવામાં આવશે. સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવેલ છે.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. ઘટનાને પગલે આજે વીરપુર (જલારામ) ખાતે સમાજના આગેવાનો, વેપારીઓ, વેપારી મંડબે દિવસ વીરપુર સજ્જડ બંધ પાળશે.
વીરપુર ગ્રામ પંચાયતમાં બોલાવાયેલી બેઠકમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે અને આવતીકાલે વીરપુર (જલારામ) સજ્જડ બંધ રાખવામાં આવશે. આવશ્યક વસ્તુઓ જેવી મેડિકલ અને હોસ્પિટલો ચાલુ રાખવામાં આવશે. સાથે સાથે જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. કાલે સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી માગે, જો માફી નહીં માંગે તો આગામી રણનીતિ 6 માર્ચના જાહેર કરવામાં આવશે.
ગુણાતીતાનંદ સ્વામીએ વીરપુર વિસામો લીધો હોવાની એક PDF વાઇરલ સ્વામિનારાયણ ભક્તોના ગ્રુપમાં એક PDF શેર કરવામાં આવી છે. જેમાં સંતશ્રી જલરામના જીવનચરિત્ર પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકના કેટલાક અંશો શેર કરવામાં આવ્યા છે. PDF માં અખબારનાં કટિંગ પણ શેર કરવામાં આવ્યાં છે.
પુસ્તકમાં ગુણાતીતાનંદ સ્વામી દ્વારા વીરપુર ખાતે વિસામો લીધો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંત શ્રી જલારામ દ્વારા ગુણાતીતાનંદ સ્વામી સહિતના સંત મંડળને જમાડ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગુણાતીતાનંદ સ્વામી દ્વારા તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિનપ્રતિદિન વધતી જશે તેવા આશીર્વાદ આપ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ, ગુણાતીતાનંદ સ્વામી દ્વારા સદાવ્રત ચલાવવા બાબતોના આશીર્વાદ આપ્યા હોવાના કોઈ પુરાવા PDF માં શેર કરવામાં નથી આવ્યા.
સ્વામીને સાહિત્ય લઈને વીરપુર આવવા આમંત્રણ વિવાદ વધતાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી છે અને વિવાદસ્પદ વીડિયો ડિલીટ કરી દીધો છે. બીજી તરફ વીરપુર જલારામમાં રહેતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને સ્વામીએ જે સાહિત્યના આધારે નિવેદન કર્યું છે એ સાહિત્ય લઈને વીરપુર આવવા આમંત્રણ આપ્યું છે, સાથે આ મામલે આગામી રણનીતિ નક્કી કરવા માટે એક બેઠક પણ બોલાવવામાં આવી છે.
જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ રણનીતિ ઘડવામાં આવશે વીરપુર ગામના સરપંચ રમેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે, જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનથી સમગ્ર ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. જેથી જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ રણનીતિ ઘડવામાં આવશે. સોશિયલ મીડિયા પર માફી માંગી તે સારી વાત છે પણ ગ્રામજનો જ નક્કી કરશે કે આગળ શું કરવું. ભક્ત સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલે છે. 205 વર્ષ પહેલાં મહા સુદ બીજના જલારામ બાપાએ ભોજલરામ બાપાના આશીર્વાદથી અન્નક્ષેત્ર શરૂ થયું હતું.
’ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા’: વિવાદ બાદ વડતાલ સંપ્રદાયના સ્વામીએ માફી માગી…ભોજલરામ બાપાની પ્રેરણાથી 205 વર્ષથી ચાલે છે સદાવ્રત વિરપુર ગામમાં 205 વર્ષ પહેલાં જલારામ બાપાએ વીસ વર્ષની ઉંમરે સદાવ્રત-અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. અમરેલીના ફતેપુર ગામના પૂજ્ય ભોજલરામ બાપાના આદેશ અને પ્રેરણાથી વિક્રમ સંવત 1876ની મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં જલારામ બાપાના આંગણે ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે.
વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમ ને દિવસે બાપાનો જન્મ વિક્રમ સંવત 1856 (ઈ.સ 1799) કારતક સુદ સાતમનાં રોજ પ્રધાન ઠક્કર અને રાજબાઇનાં ઘરે જલાનો જન્મ થયો. જલો ધીમે ધીમે મોટો થતો ગયો અને ફતેહપુરનાં ભોજા ભગતને ગુરૂ બનાવ્યા. ગુરૂ-શિષ્ય બન્ને ભગવાન રામમાં લીન રહેતા. ત્યાર બાદ તો વિરબાઇ મા સાથે લગ્ન કર્યા અને તેને પણ દુ:ખિયા અને ભૂખ્યાની સેવામાં લગાવી દીધા. સંવત 1937 મહા વદ દસમે બુધવારે (23/2/1881) બાપાએ 81 વર્ષે વૈકુંઠવાસ કર્યો.
વિરપુરના જલારામ બાપાનું મંદિર આખા જગતમાં તથા દેશ-વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. સાધુવેશે જલારામ બાપાની કસોટી કરનાર ભગવાને પ્રસાદી રૂપે આપેલા ઝોળી અને ધોકો છે. કહેવાય છે કે આ ઝોળીમાં જલારામ બાપાએ રોટલાને સીવીને રાખ્યો છે. જેથી ક્યારેય સદાવ્રતમાં તથા ગામ વીરપુરમાં અન્નની ખોટ ઊભી ન થાય અને ઝોળી અને ધોકો હાલ વીરપુરના જલારામ બાપાના મંદિરમાં હજુ પણ હયાત છે.
ઇશ્વરે જલારામ બાપાની કસોટી કરી. તેઓ સાધુવેશ ધારણ કરી સદાવ્રત ચાલતું હતું ત્યાં પહોંચ્યા અને વીરબાઇમાની માગણી કરી હતી અને જલારામ બાપાએ તો વીરબાઇમાને પણ દાનમાં આપી દીધા હતા. એક દુ:ખદ પળે જલારામ બાપાને સદાવ્રત ખોલવાનો વિચાર આવ્યો.
વીરપુરમાં 200થી વધુ વર્ષથી બારે માસ ચાલતા અને રોજ હજારો ભકતોને કોઇ જાતના દાન લીધા વગર જમાડતા પૂ. જલારામ બાપાના અવિરત અન્નક્ષેત્ર મામલે ગઇકાલે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતે કરેલા વિવાદાસ્પદ નિવેદન સામે આજે અને કાલે વીરપુર બંધ પાળવાનું છે ત્યારે આ મામલે રાજકોટના ભાજપના સંસદ સભ્ય પરસોતમભાઇ રૂપાલાએ પણ ઉગ્ર નારાજગી સાથેનું નિવેદન આપ્યું છે. આવા સ્વામીને સ્વામીનારાયણ સંપ્રદાયે હાંકી કાઢવા જોઇએ તેવી સ્પષ્ટ વાત પણ તેમણે મૂકી દીધી છે.
આજે રાજકોટના સાંસદે આ વિવાદમાં ઝંપલાવતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના વિધાનો કરતા પહેલા સંતોએ અરીસામાં જોવું જોઇએ. જ્ઞાનપ્રકાશ સ્વામીની અન્નક્ષેત્ર અંગેની વાતની ભારે ટીકા કરતા તેમણે એવો સ્પષ્ટ મત રજૂ કર્યો હતો કે સંપ્રદાયે આવા સ્વામીને હાંકી કાઢવા જોઇએ. વાસ્તવમાં કોઇ પણ સંપ્રદાયોેએ આવા નિવેદનો આપવાથી બચવું જોઇએ.
અન્નક્ષેત્ર અને જલારામ બાપા અંગે નિવેદન આપનાર સ્વામીની એવી કોઇ હેસિયત નથી કે તેઓ જલારામ બાપા વિશે આવું કંઇ બોલી શકે. આવી ટીપ્પણી કરવા બદલ સાંસદે સ્વામીનો ઉધડો પણ લીધો છે. આ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ અને ભાજપના સીનીયર નેતાએ લોહાણા સહિતના સમાજમાં ઉઠેલા રોષને ટેકો આપીને હિંમતભર્યુ નિવેદન આપ્યું છે.
વીરપુરના અન્નક્ષેત્ર મામલે સંતના નિવેદન સામે લોહાણા સહિતના સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આ રોષના પડઘા હજુ ઘેરા બને તેવી શકયતા જણાઇ રહી છે.
સુરતમાં લોહાણા સમાજના ઉપપ્રમુખ પ્રજેશ ઉનડકટે આવા નિવેદનને સમાજ વતી સખ્ત શબ્દોમાં વખોડી કાઢતા જણાવ્યું છે કે સદાવ્રત શરૂ કરાયાની વાત મામલે આ સ્વામીએ પુરાવા રજુ કરવા જોઇએ. આ પુરાવા તેમણે રજુ કરવા જ પડશે.
સનાતન ધર્મને એક રીતે બદનામ કરવાની આ વાત છે. વીરપુરનું અન્નક્ષેત્ર દેશ-વિદેશમાં જાણીતું છે. સનાતન ધર્મને આ રીતે બદનામ કરવાની વાત સાંખી લેવાશે નહીં.