Pakistan,તા.07
શેખ હસીનાના રાજીનામાં બાદ રાજકીય ઉથલ-પાથલનો સામનો કરી રહેલા બાંગ્લાદેશની સ્થિતિ પર પાકિસ્તાને પ્રથમ પ્રતિક્રિયા આપી છે. બુધવારે પાકિસ્તાને બાંગ્લાદેશના લોકો સાથે એકજૂથતા બતાવી છે. પાકિસ્તાને કહ્યું કે, અમને આશા છે કે, બાંગ્લાદેશ ટૂંક સમયમાં સામાન્ય સ્થિતિમાં પરત ફરશે.
હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 440 થઈ ગઈ
બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં વિદ્યાર્થીઓનું સરકાર વિરોધી આંદોલન હિંસક બનતા દેશને ભડકે બળતો મુકીને શેખ હસીનાના ભાગી ગયા બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને મંગળવારે સંસદ વિખેરી નાંખી હતી. હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 440 થઈ ગઈ છે. દેખાવકારોએ મંદિર પર પણ હુમલો કર્યો છે.
પાકિસ્તાનની પ્રથમ પ્રતિક્રિયા
વિદેશ કાર્યાલયે બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા રાજકીય પરિવર્તન પર પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં એક સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાનની સરકાર અને લોકો બાંગ્લાદેશના લોકો સાથે એકજૂથતાથી ઉભા છે અને ઈમાનદારીથી શાંતિપૂર્ણ અને વહેલા સામાન્ય સ્થિતિની વાપસીની આશા કરે છે. આગળ કહ્યું કે, બાંગ્લાદેશી લોકોની મજબૂત ભાવના અને એકતા તેમને સુમેળભર્યા ભવિષ્ય તરફ લઈ જશે.
બાંગ્લાદેશને 1971માં પાકિસ્તાનથી સ્વતંત્રતા મળી હતી. હસીનાના પિતા શેખ મુજીબુર રહમાને ભારતની મદદથી બાંગ્લાદેશના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
શેખ હસીનાનું રાજીનામું
બાંગ્લાદેશમાં 15 વર્ષથી એકહથ્થુ શાસન ચલાવતા અવામી લીગના વડા શેખ હસીનાએ સોમવારે અનામત મુદ્દે વિદ્યાર્થીઓનું સરકાર વિરોધી આંદોલન હિંસક બનતાં વડાપ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ આર્મીએ સત્તાનું સુકાન સંભાળ્યું હતું. જોકે, દેશભરમાં આંદોલન કરી રહેલી એન્ટી-ડિસ્ક્રિમિનેશન સ્ટુડન્ટ મુવમેન્ટના મહત્વના સંયોજકોએ જણાવ્યું હતું કે, તેમણે 84 વર્ષના નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા સંમત કરી લીધા છે.