Bhavnagar શહેરના અલગ અલગ 3 સ્થળોએ આગ ભભૂકી

Share:
Bhavnagar,
ભાવનગર શહેરના જૂના બંદર રોડ પર આવેલ અંબિકા પ્લાસ્ટિક તેમજ ભીલવાડા સર્કલના પાર્ક કરવામાં આવેલી કારમાં આગ ભભુકી ઉઠી હતી તદુપરાંત માલધારી સોસાયટીમાં આવેલા ઝાડમાં આગ લાગવાની ઘટના બની હતી.આમ ત્રણ અલગ અલગ સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી.ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર શહેરના અલગ અલગ ત્રણ સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી.જેમાં પ્રથમ રાત્રિના ૧.૨૫ કલાકે શહેરના ભીલવાડા સર્કલ પાસે પાર્ક કરવામાં આવેલી અજ્ઞાાનભાઈ  સદીકભાઈ શેખની માલિકીની કાર નંબર જીજે ૦૧ એચએ ૦૦૯૨ માં અચાનક આગ ભભુકી ઉઠી હતી.આગ લાગ્યાનો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.અને સ્થાનિકોની મદદ વડે આગ પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી.આગ લાગવાનું કારણ અને નુકશાની જાણવા મળી નથી.જ્યારે બીજા બનાવમાં વહેલી સવારના સમયે શહેરના જૂના બંદર રોડ પર આવેલ ભોતેશભાઈ અમૃતભાઈ ઝાલાવાડિયાની માલિકીના અંબિકા પ્લાસ્ટિકના નામના પ્લાસ્ટિકના દોરડા બનાવવાના કારખાનામાં આગ ભભુકી ઉઠી હતી.કારખાનામાં દોરડા બનાવવા માટે પ્લાસ્ટિક નો જથ્થો પડયો હોય જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગ લાગ્યાંનો સંદેશો મળતા ફાયર સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગ પર બે ગાડી પાણીનો છંટકાવ કરી આગને બુઝાવી દીધી હતી.આગમાં પ્લાસ્ટિકના દોરડા અને દોરડા બનાવવાનું મટીરિયલ ખાક થઈ જવા પામ્યું હતું.આગ લાગવાનું કારણ અને નુકશાની જાણવા મળી નથી.ત્રીજા બનાવમાં ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આવેલા ઝાડમાં આગ ભભુકી ઉઠી હતી.આગ લાગ્યા નો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને આગ પર પાણી છાંટી આગને કાબૂમાં લીધી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *