PM નરેન્દ્ર મોદી આજે સાંજે ૭.૩૦ કલાકે જામનગર એરપોર્ટ પર પહોંચ્યાં

Share:

Jamnagar,તા.૧

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (૧ માર્ચ, ૨૦૨૫) સાંજે જામનગર પહોંચ્યા છે. તેઓ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. જણાવી દઈએ કે, આ દરમિયાન તેઓ જામનગર અને ગીર સોમનાથની મુલાકાત લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ૭.૩૦ કલાકે જામનગર એરપોર્ટ પર પહોંચ્યાં હતા. જણાવી દઈએ કે, જામનગર ઍરપોર્ટથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો યોજાયો છે. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાનની મુલાકાતને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. તંત્ર દ્વારા પાયલોટ બંગલા સુધીનો રોડ કોર્ડન કરવામાં આવ્યો હતો . તેઓ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા સાથે મુલાકાત કરીને તેમને જન્મદિનની શુભકામનાઓ પણ પાઠવશે. તેઓ જામનગરના સર્કિટ હાઉસમાં આજે રાત્રિ રોકાણ પણ કરશે. વડાપ્રધાન રાત્રિ રોકાણ બાદ આવતીકાલે સવારે ફરી મોટર માર્ગે જામનગરના એરપોર્ટ પર પહોંચે અને ચોપર હેલિકોપ્ટર મારફતે તેઓ રિલાયન્સમાં ઉતરાણ કરે, તેવી પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

વડાપ્રધાન મોદી આવતીકાલે (રવિવાર) સવારે ૬ વાગ્યાથી  ’વનતારા’ એનિમલ રેસ્ક્યૂ સેન્ટરની મુલાકાત પણ લેશે. જ્યાં તેઓ બપોરે ૧ વાગ્યા સુધી રોકાશે. ત્યારબાદ બપોરે ૧.૩૦ વાગ્યે સોમનાથ પહોંચશે. ત્યાં બપોરનું ભોજન પણ લેશે. જ્યાં બપોરે ૨.૧૫ વાગ્યે તેઓ સોમનાથ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવની આરતી, પુજન અને દર્શન કરશે. બાદમાં વડાપ્રધાન મોદી ગીર સોમનાથ તાલુકાના સ્થાનિક કાર્યકર્તાઓ, ભાજપના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરવાના છે. બપોરે ૩ વાગ્યે ત્યાંથી રવાના થશે અને બપોરે ૪ વાગ્યે સાસણગીર પહોંચશે. સાસણ ગીર ખાતે તેઓ રાત્રિ રોકાણ પણ કરશે.

વડાપ્રધાન મોદી સોમવાર સવારે ૬ વાગ્યાથી ૯ વાગ્યા સુધી જંગલ સફારીની મુલાકાત લશે. ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે વન વિભાગની નેશનલ વાઈલ્ડલાઈફ કૉન્ફરન્સમાં પણ ભાગ લેશે. તેઓ બપોરે ૧ વાગ્યા આસપાસ તેઓ રાજકોટ એરપોર્ટ પહોંચશે અને બપોરે ૨ વાગ્યે રાજકોટથી દિલ્હી જવા રવાના થશે. આમ, વડાપ્રધાન ત્રણ દિવસ ગુજરાત મુલાકાત અંતર્ગતનો ત્રણ જિલ્લામાં પ્રવાસનો ખેડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી એટલે કે એક માર્ચથી ત્રણ માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે. આજથી બે દિવસ પ્રવાસે આવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વિવિધ કાર્યક્રમો હાજર રહેવાના છે.

આવતીકાલે એટલે કે ૨ માર્ચે વિવિધ કાર્યક્રમોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત કરવાના છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે નવનિર્મિત ગોવર્ધનનાથજીના મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે મહેસાણા જિલ્લાના વિજાપુરના ખાતે સવારે ૧૦ઃ૦૦ વાગે ઉપસ્થિત રહેવાના છે. તદુપરાંત વિજાપુરની શેઠ જીસી હાઈસ્કુલ વિદ્યાભવન ખાતે નવનિર્મિત સાંસ્કૃતિક ભવનના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ હાજરી આપવાના છે. આમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના પ્રવાસે છે.

જ્યારે આજે કેન્દ્રીય મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદની મુલાકાત સમયે કાલુપુર રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટની પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. આધુનિક સુવિધાથી સજ્જ નિર્માણ પામતા કાલુપુર રેલવે સ્ટેશન હેરિટેજ લુક અંગે નિરીક્ષણ અને કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. રાજ્યમાં ચાલતા અમદાવાદથી મુંબઈ સુધીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પણ કેન્દ્રીય રેલ મંત્રીએ સમીક્ષા કરી હતી. હાલ તો બુલેટ ટ્રેનનું કામ પૂર ઝડપીએ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ૩૬૦ કિલોમીટરનું કામ પણ પૂર્ણ થયું છે. આમ રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે પણ કાલુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.

કેન્દ્રીય રમતગમત મંત્રી અને પોરબંદર લોકસભા બેઠકના સાંસદ ડો. મનસુખ માંડવિયા પણ આજે અને આવતીકાલે બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે ગોંડલ ખાતે આયોજિત સેવા સેતુ હેલ્થ કેમ્પ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. જામકંડોરણા ખાતે પણ આયોજિત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દિશા કમિટીની બેઠક પોરબંદર જિલ્લા સેવા સદન ખાતે તેમાં પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર ખાતેના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બજેટ પર ચર્ચા તેમજ પોરબંદર જિલ્લા વેપારી એસોસિએશન સાથે ઉદ્યોગ લખતા પ્રશ્નો અંતર્ગતની પણ ચર્ચા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરી હતી.

આવતીકાલે એટલે કે ૨ માર્ચે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર ખાતેના છ જેટલા કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જેમાં વિકાસના કામો અને સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી જીતેન્દ્ર સિંહ આવતીકાલે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ ખાતે સાયન્સ સિટી ખાતે આયોજિત નેશનલ ઇન્વેસ્ટર ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઇન્ડિયા ૨૦૨૫ના કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અધ્યક્ષ સ્થાને યોજાવાનો છે. આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને કેન્દ્રીય મંત્રીમંડળના કેબિનેટ મંત્રીઓ વિવિધ કાર્યક્રમો માટે ગુજરાતના વિવિધ વિસ્તારની મુલાકાત કરવાના છે. કેન્દ્રીય મંત્રીઓ વિવિધ કાર્યક્રમોમાં લઇને ગુજરાતમાં ધામા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *