PM મોદીના આગમનના પગલે જામનગરના સર્કિટ હાઉસ- લાલ બંગલા પરિસરમાં SPG કમાન્ડો ગોઠવાયા

Share:

Jamnagar,તા.01 

ભારતના વડાપ્રધાન આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, અને તેઓ આજે જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે, તે પ્રકારેના કાર્યક્રમનો તખ્તો ઘડી લેવાયો છે. જેને લઈને જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર બે દિવસથી સતર્ક બન્યું છે, અને લોખંડી સુરક્ષા જ જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે. તેમાંય ખાસ કરીને સર્કિટ હાઉસ સહિતનું લાલ બંગલા પરિસર સુરક્ષા કર્મીઓ ની છાવણીમાં ફેરવાઈ ગયું છે. અને એસપીજી કમાન્ડોએ સર્કિટ હાઉસ તેમજ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે, અને લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.

જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની આગેવાનીમાં સમગ્ર વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, અને સાંજે 7.00 વાગ્યા બાદ હવાઈ માર્ગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર એરફોર્સના એરબેઝ પર ઉતરાણ કર્યા બાદ મોટર માર્ગે સર્કિટ હાઉસ આવી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે. તેના માટેનું ગઈકાલે સાંજે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવ તેમજ જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ અને દેવભૂમિ દ્વારકાના એસ.પી નીતિશ પાંડેની રાહબરી હેઠળના વિશાળ પોલીસ કાફલાના 25 થી વધુ વાહનો, એસપીજી કમાન્ડોની ટુકડી, ફાયર, 108 ની એમ્બ્યુલન્સ સહિતની ટીમ સાથે એરપોર્ટથી છેક જામનગરના લાલ બંગલા સર્કલ અને સર્કિટ હાઉસ સુધી રિહર્સલ કરી લેવામાં આવ્યું હતું, અને વિશેષ જાહેરનામું બહાર પાડીને સમગ્ર રૂટ પર રોડની બંને સાઈડમાં બેરીકેટિંગ કરીને પ્રત્યેક પોઇન્ટ પર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

જેઓ એરપોર્ટથી પોતાના કાફલા સાથે સર્કિટ હાઉસ પહોંચે તે પહેલા માજી રાજવીના નિવાસ્થાન પાયલોટ બંગલા તરફ પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, અને માજી રાજવીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી ત્યારબાદ વડાપ્રધાન ફરી સર્કિટ હાઉસ તરફ આગળ વધે તે પ્રકારે સમગ્ર કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે, અને ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે.

જોકે ભારતીય જનતા પાર્ટી દ્વારા રોડ શો કે તે પ્રકારે નો કોઈ કાર્યક્રમ ગોઠવાયો નથી, પરંતુ વડાપ્રધાનના આગમન સમયે જામનગરના નાગરિકો વડાપ્રધાનને આવકારવા માટે દિગ્જામ સર્કલથી લાલબંગલા સુધી ઉભા રહી શકે, તે માટે રોડની બંને તરફ બેરિકેટીંગ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન રાત્રી રોકાણ બાદ આવતીકાલે સવારે ફરી મોટર માર્ગે જામનગરના એરપોર્ટ પર પહોંચે અને ચોપર હેલિકોપ્ટર મારફતે તેઓ રિલાયન્સ માં ઉતરાણ કરે, તેવી પણ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં આવતી કાલે રવિવારે સવારે 6.00 વાગ્યાથી બપોર સુધી વનતારાની મુલાકાત લેશે. અને ત્યાંથી સીધા સાસણગીર હવાઈ માર્ગે રવાના થઈ શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *