Jamnagar,તા.01
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં કૈલાશ નગર વિસ્તારમાં રહેતા બે અનુસૂચિત જાતિના પિતરાઈ ભાઈઓ પર વાહનનું હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં પાડોશી શખ્સે તકરાર કરી ધારિયા વડે હુમલો કરી દીધો હતો. જેમાં એક યુવાનને માથામાં સાત ટાંકા લેવા પડ્યા છે. ઉપરાંત અનુસૂચિત જ્ઞાતિના હોવાથી સમાજના હલકા પાડવા માટે હડધુત કરાયાની પણ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં કૈલાશ નગર વિસ્તારમાં રહેતા વિશાલ રામજીભાઈ સાગઠીયા નામના 24 વર્ષના અનુસૂચિત જાતિના યુવાને પોતાના માથા ઉપર ધારિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમ જ પોતાના પિતરાઈભાઈ હિરેન ખીમજીભાઈ ઉપર હુમલો કરવા અંગે પાડોશમાં રહેતા સંજયસિંહ જીકાભાઈ જાડેજા સામે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર હિરેન ખીમજીભાઈ પોતાની કાર લઈને કૈલાશ નગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ત્યાં રહેતા સંજયસિંહ જીકાભાઈ જાડેજા નામના શખ્સ સાથે વાહનનું હોર્ન વગાડવા બાબતે તકરાર થઈ હતી, અને આરોપીએ હિરેનને માર મારી ગાળો આપી હતી. ત્યારબાદ ધારિયું લઈને ફરિયાદી યુવાન વિશાલના ઘરે ધસી આવ્યો હતો, અને માથામાં ધારિયાના ઘા ઝીંકી દેતા ઈજા થઈ હોવાથી માથામાં સાત ટાંકા લેવા પડ્યા છે, તેમજ બંને પિતરાઈ ભાઈઓને સમાજમાં હલકા પાડવા માટે હડઘૂત કરાયા હોવાથી કાલાવડ ટાઉન પોલીસ મથકમાં હુમલા અંગની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વધુ તપાસ ચલાવે છે.