Jamnagar,તા.01
જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર અનમોલ પાર્ક સોસાયટીમાં રહેતો અને ઘુઘરા વેંચવાનો વ્યવસાય કરતો વિપુલ રવજીભાઈ પરમાર નામનો 45 વર્ષનો યુવાન, કે જે ગત 20 તારીખે સાંજે ચારેક વાગ્યાના અરસામાં પોતાનું મોટર સાયકલ લઈને જાંબુડા ગામમાં ઘુઘરા વેચવા માટે જઈ રહ્યો હતો.
જેને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો. પોતે જાંબુડા ગામ તરફ નદીના પુલિયા પાસે પહોંચતાં અચાનક બેભાન થઈને બાઈક પરથી નીચે પટકાઈ પડ્યો હતો, અને તેને જાંબુડા ગામની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ પ્રવીણભાઈ રવજીભાઈ પરમારએ પોલીસને જાણ કરતાં પંચકોષી એ. ડિવિઝનના પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.