હાલમાં આપણા ગુજરાતના કચ્છત પ્રદેશમાં રણમાં વિશાળ મેળાનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે. ભારત અને પાકિસ્તાનની સરહદ પર અને ત્રણેય બાજુએ વિશાળ દરિયો અને પાકિસ્તાનની સરહદે વિશાળ રણ ધરાવતો કચ્છ એટલે કે વીરતા, દયા, દાન, એકતા અને મહાનતાનો મહિમા ધરાવતા આ વિરાન ભાસતો છતાં તે વિસ્તારના લોકોમાં દયાનો મીઠો સરોવર ધરાવતો આ કચ્છ જેણે જોયો નથી તેણે દુનિયામાં કંઈ પણ જોયું નથી તેવું કહેવાય છે. કાશ્મીર જેવું વાતાવરણ ધરાવતો કચ્છ હંમેશા પેલી કહેવત મુજબ કચ્છડો તો બારે માસ ભલો જેવો જ રહ્યો છે.
હાલમાં જ થોડા સમય પહેલાં આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કચ્છના રણોત્સવની મુલાકાત લીધી હતી તેમજ તે પછી આપણા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પણ ધ્રુજાવતી ઠંડીનો અહેસાસનો લ્હાવો કચ્છમાં માણ્યો હતો. કહેવાય છે કે, કચ્છને કચ્છી ભાષામાં કાચબો જ કહેવાય છે. ભારતના નકશામાં જોઈએ તો કચ્છ બિલકુલ કાચબા જેવો આકાર ધરાવે છે. આ પ્રદેશની આજુબાજુ ત્રણ દિશામાં વિશાળ સમુન્દર આવેલ છે. કચ્છથી સહેલાઈથી કરાંચી દરિયાઈ રસ્તે જઈ શકાય છે તો કચ્છથી દરિયાઈ રસ્તે મુંબઈ પણ જઈ શકાય છે. હાલમાં ઓખા બંદરેથી માંડવી કચ્છ સુધી માત્ર એકાદ કલાક પહોંચી શકાય તેવી ક્રુઝરની સેવા શરુ થઈ છે. આ પહેલાં તો રાજકોટ કે સૌરાષ્ટ્રમાં આવવા માટે ફકત પ્લેનથી જામનગર આવી શકાતું હતું જેનું અંદાજી ભાડું પંદરથી વીસ રૂપિયાનું હતું. જ્યારે કચ્છના કંડલા બંદરેથી નવલખી થઈને રેલવે માર્ગે રાજકોટ વિ. આવી શકાતું હતું જેની ટિકિટ અંદાજે એક વ્યક્તિ માટે તે વખતે પાંત્રીસ રૂપિયા થતી હતી. આ વાત ૧૯૬૦ પહેલાંની છે. આ પછી જ્યારે સામખિયાળી પાસે દરિયાની ખાડીમાં સુરજબારીનો વિશાળ પુલ થયો તે પછી કચ્છમાં આવનજાવની સગવડમાં સરળતા થઈ છે.
કચ્છના લોકો બહાદુર ગણાય છે. કચ્છમાં બે ભયંકર ધરતીકંપો આવ્યા હતા. આ બન્ને ધરતીકંપોને કારણે કચ્છમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે તે સાથે નાના મોટા મકાનો તો પત્તાના મહેલની જેમ ખેદાન મેદાન થઈ ગયા હોવા છતાં આજે કચ્છના તમામ શહેરો અને ગામડાઓનો વિકાસ તો જોવા જેવો છે. કચ્છના મુખ્ય શહેર ભુજ, અંજાર અને ગાંધીધામ, આદીપુર તો એવા સરસ મજાના બની ગયા છે કે ઘણા વરસો પછી પોતાના સગા સંબંધીઓને મળવા ગયેલા લોકોને મુળ મકાન પણ શોધ્યું જડતું નથી.
આ બહાદુરીભર્યાં કચ્છનો ઈતિહાસ પણ ગૌરવભર્યો છે. રામાયણ અને મહાભારતમાં પણ કચ્છનો ઉલ્લેખ થયેલ છે ત્યારે કચ્છને તો સૌ વીર પ્રદેશ કહેવામાં આવતું જેનો અર્થ એવો કરવામાં આવતો કે સિંધ અને કચ્છનો મોટો રણનો વિસ્તાર એટલે સોવીર પ્રદેશ. એમ પણ ઈતિહાસ કહે છે કે પાંડવો પણ કચ્છ પ્રદેશમાં આવ્યા હતા તેઓએ તે વખતે ભુજ પાસેના ગેડી નામના ગામમાં છુપો વનવાસ કર્યો હતો એવું પણ કહેવાય છે કે કચ્છમાં જાણીતું મંદિર રવેચી માંનું પણ પાંડવોએ બનાવ્યું હતું. તેઓએ કૌરવો સાથે યુદ્ધની તૈયારી પણ કચ્છમાં રહીને કરી હતી. કચ્છના પવિત્ર નારાયણ સરોવરનો ઉલ્લેખ પણ શ્રીમદ્ ભાગવતમાં મળી આવે છે. કહેવાય છે કે કેરા ગામમાં તે વખતના સુવિખ્યાત રુષિમુનિ કપિલાજીનું ભવ્ય આશ્રમ પણ હતું. કચ્છનું પવિત્ર સ્થળ ભદ્રેશ્વર પણ પ્રાચીન નગરી તરીકે પ્રખ્યાત છે. આ નગરી તે વખતના રાજા યુવનાસ્વે વસાવ્યું હતું. કચ્છના પવિત્રધામ અને કરોડો શ્રધ્ધાળુઓનું પવિત્ર સ્થળમાં આશાપુરાનું ભવ્ય મંદિર પણ પુરાતન કાળનું છે.
મહાભારતમાં જણાવ્યા મુજબ તે વખતે કચ્છમાં અંદાજે ચૌદસો મોટા ગામો હતા જે સમુદ્ર હતા લખપતનો પણ તે વખતે દબદબો હતો ત્યાંથી મોટા વહાણો દ્વારા ઈજિપ્ત સુધી જવાતું હતું તો કચ્છના માંડવી બંદરેથી કરાંચી અને મુંબઈ સુધીનો તહેવાર થતો હતો. કચ્છની નજીક જ સિંધુ પ્રદેશ હતો જે આજે પાકિસ્તાન ગણાય છે તે વખતે સિંધુ પ્રદેશમાં સિંધુ વનર્મા નામનો એક રાજા હતો જેણે પોતાના પુત્ર સિંધુદ્વીપને કચ્છના મહારાજાશ્રી પતિતની પુત્રી સાથે પરણાવ્યો હતો. આ સિંધુદ્વીપએ કચ્છમાં જઈને તે વખતના રાજા પુલંદયવનને હરાવીને કચ્છનો વિકાસ કર્યો હતો. તેણે પછીના જ પુત્ર ભુજવર્માએ કચ્છના અન્ય વિસ્તારના રાજા શુભરોને હરાવીને કચ્છના મધ્યમાં ભુજ નામનો પ્રદેશ બનાવ્યો હતો જેમાં રાજ કર્યું હતું.