હાલમાં જ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમ્યાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સૌથી ઉન્નત યુદ્ઘ વિમાન એફ-૩૫ની ભારતને વેચાણની ઓફર કરી. ત્યારબાદથી દેશમાં ચર્ચા છેડાયેલી છે કે ભારતે આ વિમાન ખરીદવાં જોઇએ કે નહીં. તેનું એક કારણ એ છે કે અમેરિકાની જેમ રશિયાએ પણ ભારતને પોતાના સૌથી ઉન્નત યુદ્ઘ વિમાન સુખોઇ-૫૭ વેચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવમાં સુખોઇ-૫૭નું ભારતમાં રશિયા દ્વારા નિર્માણ અને તેના સ્પેરપાર્ટ્સનું નિર્માણનું કામ ભારતીય કંપનીઓને આપવાનું પણ સામેલ છે. રશિયા આ સોદામાં પાંચમી પેઢીના યુદ્ઘ વિમાનની ટેકનિક પણ હસ્તાંતરિત કરવા તૈયાર થઈ શકે છે, જેમાં ફાઇટર જેટ એન્જિન નિર્માણથી લઈને રડાર ટેકનિક પણ સામેલ હશે. મુશ્કેલી એ છે કે ભારતમાં ચર્ચા એના પર કેન્દ્રિત રહે છે કે કયા દેશ પાસે કયું હથિયાર ખરીદવું જોઇએ. આપણે આ પ્રશ્નમાં ગૂંચવાયા છીએ કે પાંચમી પેઢીના યુદ્ઘ વિમાન અમેરિકાથી ખરીદવામાં આવે કે રશિયા પાસે, જ્યારે ચીન છઠ્ઠી પેઢીના સ્વનિર્મિત યુદ્ઘ વિમાનનું પરીક્ષણ શરૂ કરી દેવાયું છે. ભારત ચોથી પેઢીના સ્વનિર્મિત હળવા યુદ્ઘ વિમાન તેજસની વાયુસેનાને અપેક્ષિત પૂરવઠો જ નથી આપી શકતી. તેને લઈને ગત દિવસોમાં વાયુસેના પ્રમુખે પણ અસંતુષ્ટિ વ્યક્ત કરી હતી. જો આપણે યુક્રેન યુદ્ઘને લઈને અમેરિકી દબાણ માની લેતા તો સંભવ છે કે તેજસ માટે જરૂરી અમેરિકી કંપની જીઇનાં એન્જિન મળી ગયાં હોત. જોકે તેજસ પણ સંપૂર્ણપણે સ્વદેશી તો નથી જ.
તેની અવગણના ન કરી શકાય કે રશિયા સેંકડો પ્રતિબંધો અને દબાણો છતાં ત્રણ વર્ષથી યુક્રેન યુદ્ઘ એટલા માટે ચાલુ રાખી શક્યું, કારણ કે તે હથિયારોના નિર્માણ અને ઊર્જા સંસાધનો મામલે આત્મનિર્ભર છે. આ ક્ષમતા જ કોઈ દેશને ખરા અર્થમાં સંપ્રભુ મહાશક્તિ બનાવે છે. આ ક્ષમતાનું જ પરિણામ છે કે અમેરિકાના નવા સત્તાધીશ એ બખૂબી સમજે છે કે રશિયા જેવી આત્મનિર્ભર શક્તિને નિર્ણાયક રૂપે હરાવી ન શકાય અને તે હવે રશિયા સાથે સમજૂતીની વાત કરી રહ્યા છે. ભારત વિભિન્ન દેશો પર પોતાની નિર્ભરતાને કારણે આજ સુધી કોઈ યુદ્ઘ એટલા લાંબા સમય સુધી ચલાવી જ નથી શક્યું અને યુદ્ઘના મેદાનમાં જીતેલી બાજી પણ આપણે વિદેશી દબાણને કારણે મંત્રણાની મેજ પર હારતા રહ્યા છીએ. ૧૯૭૧નં યુદ્ઘ ગુલામ કાશ્મીર પર કોઈ નિર્ણાયક ફેંસલો કર્યા વિના જ ઉતાવળમાં એટલા માટે આટોપી દેવાયું હતું, કારણ કે સોવિયેત નેતા અમેરિકા સાથે એક હદથી વધુ તકરાર વધારવા માગતા ન હતા અને આપણે રક્ષા અને બીજી બાબતો પર સોવિયેત સંઘ પર નિર્ભર હતા! આ જ કારણ છે કે ભારતના પહેલા સીડીએસ રહેલા સ્વર્ગીય જનરલ બિપિન રાવત ઇચ્છતા હતા કે ભારત પોતાનાં રક્ષા ઉપકરણો પોતે જ બનાવે અને જો તેઓ વિદેશી રક્ષા ઉપકરણોથી ગુણવત્તામાં થોડાં કમતર પણ હોય તો પણ સ્વદેશી ઉત્પાદનોને જ પ્રાથમિકતા આપવી જોઇએ. જનરલ રાવતનું કહેવું હતું કે જો કોઈ સ્વદેશી રક્ષા ઉત્પાદન ગુણવત્તાના ૭૦ ટકા માપદંડો પણ પૂરાં કરી દે તો વિદેશી સાજોસામાનના મુકાબલે તેને પ્રાથમિકતા મળવી જોઇએ. જો એવું કરવામાં આવે તો દેશનું નાણં દેશની બહાર ન જાય અને કોઈ બીજા દેશની નીતિગત પ્રાથમિકતાઓનું દબાણ સહન કર્યા વિના એવાં રક્ષા ઉપકરણોનું અવિરત ઉત્પાદન કરી શકાય છે.
જ્યાં સુધી ગુણવત્તાનો પ્રશ્ન છે તો ટેકનિકનો વિકાસ એક સતત પ્રક્રિયા છે, જેમાં અસફળતાઓથી પણ શીખવા મળે છે અને સમયની સાથે ખામીઓને ગહન સંશોધનથી દૂર કરી શકાય છે. ચંદ્રયાન-૨ની અસફળતા બાદ ચંદ્રયાન-૩માં કરવામાં આવેલ સુધારાને કારણે તે બેહદ સફળ રહ્યું. ગુણવત્તામાં ક્રમિક સુધારાનું ચીન સૌથી મોટું ઉદાહરણ છે. ચીન પણ શરૂઆતી દિવસોમાં હથિયારો માટે સોવિયેત સંઘ પર નિર્ભર હતું, પરંતુ તેણે જે યુદ્ઘ વિમાન અને યુદ્ઘ ઉપકરણો એક વાર સોવિયેત સંઘ પાસેથી ખરીદીને તેની નકલ કરી એવાં જ ઉત્પાદન ખુદ બનાવવાની કોશિશ કરી. રિવર્સ એન્જિનિયરિંગના માધમયથી બનાવવામાં આવેલ આ ઉત્પાદનો શરૂઆતમાં સારી ગુણવત્તાનાં ન હતાં, પરંતુ ચીન સતત સંશોધન કરતું રહ્યું. ચીની સરકારે યોજનાબદ્ઘ રીતે પોતાના છાત્રોને ભણવા વિશ્વભરની ટોચની યુનિવર્સિટીઓમાં મોકલ્યા, જ્યાં તેમણે ઉચ્ચ ટેકનિકનું જ્ઞાન મેળવ્યું. બાદમાં વિદેશી કંપનીઓ કરતાં પણ ઊંચા પેકેજ આપીને તેમને પાછા ચીન બોલાવાયા, જેથી તેઓ પોતાના દેશ માટે કામ કરે.