Jamnagar તા. 28
આગામી વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં નાની ખાવડી સમાજવાડી ખાતે ‘સ્વાશ્રય’ ના ઉપક્રમે એક મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ (CSR) દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણ સંસ્થા – સ્વાશ્રય, આસપાસના ગ્રામીણ વિસ્તારની મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે કાર્યરત છે. મહિલા સંમેલનમાં ઉપસ્થિત 150 થી વધુ મહિલાઓ અને તેમનાં વિવિધ ગ્રૂપ્સ જેવાંકે, બેન બા ગ્રૂપ, હાટ ગ્રૂપ, સન્નારી ગ્રૂપ, સહેલી ગ્રૂપ, સ્વાદ ગ્રૂપ અને સહયોગ ગ્રૂપ દ્વારા તેમના હસ્તકલા, સિલાઈ કામ , ઈમીટેશન જ્વેલરી અને તાજા નાસ્તાનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ મહિલાઓએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત- સન્માન કરીને સ્વાશ્રયના સથવારે પોતે સાધેલા વ્યક્તિગત વિકાસના અનુભવો અને તેને પરિણામે જીવનધોરણમાં થયેલ પરિવર્તનનું ગૌરવ પણ જાહેરમાં વ્યક્ત કર્યા હતાં.
સંમેલનમાં સંઘર્ષોમાંથી પસાર થઈને પોતપોતાના ક્ષેત્રમાં નેત્રદિપક કામગીરી કરનાર મહિલાઓ સુશ્રી ડો. પુર્ણિમાબેન ભટ્ટ( ઈ.એન.ટી સર્જન, એમ. પી. શાહ મેડીકલ કોલેજ), શ્રીમતી ભાવનાબેન પરમાર (ટ્રસ્ટીશ્રી, વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ) તથા શ્રીમતી ડિમ્પલબેન મહેતા (વિશિષ્ટ બાળકો માટે કાર્યરત)એ નારી શક્તિની મહત્તા અને પ્રોત્સાહન દ્વારા સફળતાના શિખરો સર કરી શકાય છે તે વાત ઉદાહરણો સાથે સ્પષ્ટ કરી હતી. રિલાયન્સના પ્રતિનિધી શ્રી રાજેન્દ્ર સરવૈયાએ પ્રાસંગિક ઉદબોધનમાં મહિલા ઉત્કર્ષ માટેની રિલાયન્સની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં સ્વાશ્રય દ્વારા થતી પ્રવૃત્તિઓનો ચિતાર આપી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
સ્વાશ્રયની બહેનોએ “દિકરી ભણાવો, સક્ષમ સમાજ બનાવો” શિર્ષક તળે એક સુંદર સ્કિટ્નું પણ પ્રદર્શન કર્યું હતું અને સતત પ્રોત્સાહન પૂરું પાડવા બદલ શ્રી ધનરાજ નથવાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.