Nadiad,તા.28
નડિયાદમાં થોડા દિવસ અગાઉ દેશી દારૂ પીધા બાદ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં લઠ્ઠાકાંડની શંકા હતી. ત્યારબાદ રિપોર્ટમાં સોડિયમ નાઇટ્રાઇટ નામનું ઝેરી તત્વ મળી આવાતં 19 દિવસ બાદ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ ફરિયાદમાં બે સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. જેમાં કોઇએ જીરા સોડામાં બોટલમાં ઝેરી તત્વ મિક્સ કર્યું હોય અથવા તો મૃતક પૈકી કોઇએ જાતે પીવડાવ્યું હોય. હલમાં પોલીસ અલગ દિશામાં તપાસ કરી હતી.
નડિયાદના મંજીપુરા વિસ્તારમાં, દેશી દારૂ પીધા પછી ત્રણ લોકોના શંકાસ્પદ મોત થયા હતા. નડિયાદની જય મહારાજ સોસાયટી પાસે દારૂ પીધાના કારણે ત્રણ જણાના મોત થવાનો મામલો સામે આવ્યો હતો. મૃત્યુ પામેલાઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બનતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.પ્રાથમિક તપાસમાં એક બુટલેગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ મામલે જ્યારે મૃતકોના બ્લડ સેમ્પલ લઈને ગાંધીનગર તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા તો તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટમાં જાણકારી મળી કે મૃતકોના બ્લડમાં મિથાઈલ આલ્કોહોલ હતું જ નથી. ઉલ્લેખનીય છે કે મૃતકોના પરિજનો દાવો કરી રહ્યા છે કે દેશી દારૂ પીવાને કારણે આ લોકો ગણતરીની મિનિટોમાં જ મૃત્યુ પામી ગયા હતા.
આ મામલે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ સુપ્રીન્ટેડન્ટ ઓફ પોલીસે જણાવ્યું હતું કે એફએસએલના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મૃતકોના શરીરમાં કોઇ લઠ્ઠો નહોતો. તેમણે કહ્યું કે મૃતકોના શરીરમાં લોહી ગંઠાઈ ગયું હતું. તેમણે જીરા સોડા પીધી હતી અને તેના પછી તેમની તબિયત લથડી હોવાનો ખુલાસો થયો છે.