Gujarat,તા.07
ભણે ગુજરાત, વાંચે ગુજરાત, પ્રવેશોત્સવ જેવા તાયફા પાછળ લાખો કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યુ છે તેમ છતાંય ગુજરાતમાં વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શક્યા નથી. ખુદ નીતિઆયોગના રિપોર્ટે જ ગુજરાતમાં વર્તમાન શિક્ષણની કડવી વાસ્તવિકતા રજૂ કરી છે જેમાં ઉલ્લેખ કરાયો છેકે, ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં ગુજરાત દેશમાં 18 ક્રમે રહ્યુ છે. ચિંતાજનક બાબત તો એછેકે, ફ્રન્ટ રનર સ્ટેટની ઓળખ ધરાવતું ગુજરાત રાજ્યનુ શિક્ષણનું સ્તર કથળતાં પરફોર્મર સ્ટેટ બની રહ્યુ છે.
નીતિ આયોગના રિપોર્ટમાં કડવી હકીકત રજૂ
ગુજરાત શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે. વિદેશના વિદ્યાર્થીઓ ‘ક્વોલિટી એજ્યુકેશન’ માટે ગુજરાતમાં શિક્ષણ મેળવી રહ્યાં છે. તેવી ડીગો હાંકવામાં આવી રહી છે. ત્યારે નીતિ આયોગના “Sustainable Development Goal (SDG) India Index 2023-2024ના રિપોર્ટે જ ગુજરાતમાં શિક્ષણની કેવી દશા છે તેવી કડવી હકીકત રજૂ કરી છે. આ રિપોર્ટમાં એવા તારણો રજૂ કરાયા છેકે, ગુજરાતમાં ધો.9-10માં ડ્રોપ આઉટ રેશિયો 17.9 ટકા છે જ્યારે દેશમાં સરેરાશ ડ્રોપઆઉટ રેશિયો 12.6 ટકા છે. આમ, દેશ કરતાં ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયો વઘુ છે.
સ્નાતક કક્ષાએ માત્ર 24 ટકા પ્રવેશ મેળવે છે
આ ઉપરાંત ધો.11-12 ધોરણમાં 48.2 ટકા જ્યારે સ્નાતક કક્ષાએ માત્ર 24 ટકા પ્રવેશ મેળવે છે. ગુજરાતમાં 29 વિદ્યાર્થી વચ્ચે એક શિક્ષક છે જયારે દેશમાં 18 વિધાર્થીઓ એક શિક્ષક છે. ગુજરાત રાજ્યમાં જેટલા બાળકો જન્મે છે તેમાંથી 11 ટકા જેટલા બાળકો શાળામાં પ્રવેશ પણ નથી મેળવતા. એક સમયે શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશને દિશા દેખાડનાર ગુજરાતમાં આજે શિક્ષણની દારૂણ સ્થિતી સર્જાઇ છે.
ખુદ જ સરકાર જ શિક્ષણનું ખાનગીકરણ કરવા મતમાં
એવો આક્ષેપ મૂકાયો છેકે, શિક્ષણને વેપાર બનાવી દેવાયો છે. ખુદ જ સરકાર જ શિક્ષણનું ખાનગીકરણ કરવા મતમાં છે ત્યારે શિક્ષણ ગુણવત્તા વિનાનુ જ નહીં, પણ મોધું બન્યુ છે પરિણામે યુવાનો અને બાળકોનું ભાવિ ચિતાજનક બન્યુ છે. આમ છતાંય શિક્ષણમાં સુધારો કરવા માટે સરકારમાં ઈચ્છાશક્તિ અભાવ દેખાય છે. નીતિ આયોગના અહેવાલ મુજબ, ગુજરાત ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં દેશમાં 18માં ક્રમે છે. જે ગુજરાત રાજ્ય વર્ષ 2018માં ફ્રન્ટ રનર્સ એટલે કે, હાઈ પર્ફોર્મિંગ સ્ટેટ હતું તે વર્ષ 2024માં પરફોર્મર સ્ટેટ બન્યુ છે. ટૂંકમાં, 6 વર્ષમાં શિક્ષણની અધોગતિ થઇ છે પરિણામે ગુજરાત મોડેલની પોલ ખોલી ગઇ છે.