રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૩૦.૪૦ લાખ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે : સમગ્ર રાજ્યમાં છવાસે પરિક્ષા ફિવર
Rajkot, તા.૨૬
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે તા.૨૭ ને ગુરૂવારથી ધો.૧૦ અને ધો.૧૨ (સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાનપ્રવાહ)ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. રાજકોટ શહેર જિલ્લાના ૭૮૪૩૦ સહિત સૌરાષ્ટ્રના ૩.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધો.૧૦ અને ધો.૧૨ ની આ પરીક્ષા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લા મથકો પર કન્ટ્રોલ રૂમોને ધમધમતા કરી દેવામાં આવેલ છે.
આ પરીક્ષાનો પ્રારંભ થતાની સાથે જ રાજ્યભરમાં પરીક્ષા ફીવર છવાઈ જશે. શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે તમામ પરીક્ષા કેન્દ્રો પર પશ્વાતાપ પેટી મુકવામાં આવશે. જેમાં ગેરરીતીનુ સાહિત્ય પધરાવવાનુ રહેશે. પરીક્ષાના પ્રથમ દિવસે તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનો કુમકુમ તિલકથી સ્વાગત કરી તેઓના મોં મીઠા કરાવવામાં આવશે. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને પરીક્ષા સમય કરતા અડધો-પોણો કલાક વહેલા કેન્દ્રો પર પહોંચી જવા માટે તાકીદ કરવામાં આવેલ છે.
આજથી પરીક્ષાનો પ્રારંભ થતાની સાથે જ પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં અધિક કલેકટરના જાહેરનામાનો પણ અમલ શરૂ થઈ જશે જેમાં પરીક્ષા કેન્દ્રો વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓને એકત્રીત થવા પર પ્રથમ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં મોબાઈલ સહિતના ઈલેકટ્રોનીક ઉપકરણો પણ સાથે લઈ જઈ શકશે નહી.