America,તા.25
ભારતીય-અમેરિકન બિઝનેસમેન અને પૂર્વ રિપબ્લિકન રાષ્ટ્ર પ્રમુખ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ સત્તાવાર રૂપે ઓહાયોના ગવર્નર પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પના DOGE (ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિઅન્સી) માંથી રાજીનામું આપ્યાના થોડા અઠવાડિયા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે લખ્યું કે, ‘મને ગર્વ છે કે, હું સત્તાવાર રૂપે ઓહાયોના આવનારા ગવર્નરના રૂપે સેવા કરવા માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી રહ્યો છું.’
રામાસ્વામીએ પોતાની ઉમેદવારી વિશે વધુમાં કહ્યું કે, ‘રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ અમેરિકામાં આપણાં વિશ્વાસને પુનર્જિવિત કરી રહ્યાં છે. ઓહાયોમાં પણ આપણને એક આવા જ નેતાની જરૂર છે, જે આપણાં વિશ્વાસને પુનર્જિવિત કરી શકે. મને ગર્વ છે કે, આ મહાન રાજ્યના આવનારા ગવર્નર બનવા માટે હું ચૂંટણી લડી રહ્યો છું. એ રાજ્ય જ્યાં હું જન્મ્યો, જ્યાં અપૂર્વા અને હું આજે પણ અમારા બે બાળકોનું પાલન કરી રહ્યાં છીએ- એક એવું રાજ્ય જેના સૌથી સારા દિવસો આવવાના બાકી છે.’
નોંધનીય છે કે, ઉમેદવારી નોંધાવ્યા બાદ રામાસ્વામીને રિપબ્લિકન કેમ્પ સામે ચુનોતી સામનો કરવો પડશે. કારણ કે, ઓહાયોના એટર્ની જનરલ ડેવ યોસ્ટે પણ હાલના ગવર્નર ડેવાઇનના ઉત્તરાધિકારી બનવા માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે. ડેમોક્રેટિક પાર્ટીમાંથી પૂર્વ ઓહાયો હેલ્થ ડિરેક્ટર એમી એક્ટન પણ મેદાને છે. રામાસ્વામીએ વચન આપ્યું કે, તે ઓહાયોને દેશનું સૌથી સારૂ રાજ્ય બનાવશે જ્યાં પરિવાર વસવાટ કરી શકે, બાળકોને વર્લ્ડ ક્લાસ શિક્ષણ મળી શકે અને વ્યવસાય વધી શકે.
પોતાના દમદાર ભાષણમાં રામાસ્વામીએ કહ્યું કે, ‘અમે આ રાજ્યમાં દરેક વધારાના નિયમને ખતમ કરી દઇશું. મારા વહીવટ હેઠળ જે નિયમ લાગુ થશે, તેના પહેલાં ઓછામાં ઓછા દસ બીજા નિયમોનું રદ્દ કરવા પડશે.’
વિવેક રામાસ્વામીની ઉમેદવારીને રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનું પણ મજબૂત સમર્થન મળ્યું છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર કહ્યું કે, ‘વિવેક રામાસ્વામી ઓહાયોના મહાન રાજ્યના ગવર્નર માટે ચૂંટણી લડી રહ્યા છે. હું તેમને સારી રીતે જાણું છું, તેમની સામે જે સ્પર્ધા મૂકવામાં આવી છે, તે પણ ખાસ છે. આ યુવા મજબૂત અને સ્માર્ટ છે! વિવેક એક ખૂબ જ સારા વ્યક્તિ છે, જે હકીકતમાં આપણાં દેશને પ્રેમ કરે છે. તે ઓહાયોના એક મહાન ગવર્નર બનશે. તમને ક્યારેય નિરાશ નહીં કરે અને તેમને મારૂં સંપૂર્ણ સમર્થન છે! ટ્રમ્પની આ પોસ્ટના જવાબમાં રામાસ્વામીએ તેમનો આભાર માનીને કહ્યું કે, ‘મને તમારા સમર્થન પ્રતિ સન્માન છે. અમે તમારી સાથે છીએ અને અમે ઓહાયોને ફરીથી મહાન બનાવીશું.’
ઈલોન મસ્કે પણ 2026ની ગવર્નરની ચૂંટણી માટે રામાસ્વામીને ટેકો આપ્યો છે. મસ્કે કહ્યું કે, ‘શુભકામનાઓ, તમને મારૂં સંપૂર્ણ સમર્થન છે!’ જવાબમાં રામાસ્વામીએ કહ્યું કે, ‘આભાર ઈલોન. ચાલો શરૂ કરીએ!’ નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે DOGE નું નેતૃત્વ કરવા માટે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક સાથે રામાસ્વામીને પણ પસંદ કર્યા હતાં. જોકે, ટ્રમ્પના પદ સંભાળ્યા બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. અનેક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ઈલોન મસ્ક સાથે મતભેદના કારણે રામાસ્વામીએ રાજીનામું આપી દીધું છે.