Bangladesh હિંસાની અસર, ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઈટને પણ અસર

Share:

New Delhi,તા.06

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે. એવામાં પાંચમી ઓગસ્ટે વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને પોતાનો દેશ છોડીને ઢાકાથી અગરતલા થઈને ભારત આવી ગયા છે. ત્યારે બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણી ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતાથી ઢાકા અને ખુલના જતી ચાર પેસેન્જર ટ્રેન અને માલસામાન ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે.

આ ટ્રેન રદ કરવામાં આવી!

અહેવાલો અનુસાર, 13109/13110 કોલકાતા-ઢાકા-કોલકાતા મૈત્રી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. આ ટ્રેન કોલકાતાથી મંગળવાર અને શુક્રવારે અને ઢાકાથી બુધવાર અને શનિવારે દોડે છે.

13107/13108 ઢાકા-કોલકાતા-ઢાકા મૈત્રી એક્સપ્રેસ જે કોલકાતાથી શનિવાર, સોમવાર, બુધવાર અને ઢાકાથી શુક્રવાર, રવિવાર, મંગળવારના રોજ ઉપડે છે, તે પણ રદ કરવામાં આવી છે.

13129/13130 કોલકાતા-ખુલના-કોલકાતા બંધન એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે. આ ટ્રેન કોલકાતાથી ગુરુવાર અને રવિવારે અને ખુલનાથી ગુરુવાર અને રવિવારે ચાલે છે.

13131/13132 ઢાકા-ન્યુ જલપાઈગુડી-ઢાકા મિતાલી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. સુત્રોના જણાવ્યાનુસાર, માલવાહક કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં, ભારતીય રેલવે પાસે બાંગ્લાદેશમાં 168 લોડેડ વેગન અને 187 ખાલી વેગન છે. આ ઉપરાંત બાંગ્લાદેશ માટે 8 લોડેડ રેક ભારતમાં રોકવામાં આવ્યા છે.

એર ઈન્ડિયાએ ઢાકાની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો

બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને, એર ઈન્ડિયાએ સોમવારે (પાંચમી ઓગસ્ટ) ઢાકા આવતી-જતી તમામ ફ્લાઈટ્સ તાત્કાલિક સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. એર ઈન્ડિયાએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘બાંગ્લાદેશમાં વિકસતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે તાત્કાલિક અસરથી ઢાકા અને ત્યાંથી અમારી ફ્લાઈટ્સનું નિર્ધારિત સંચાલન રદ કર્યું છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *