New Delhi,તા.24
દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી પર સંકટના વાદળો વધી રહ્યા છે. પંજાબમાં તેના 32 ધારાસભ્યો પક્ષ છોડવાની ફિરાકમાં હોવાના અહેવાલો મળ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પણ પદ પરથી દૂર કરવાની કવાયત હાથ ધરાય તેવી શક્યતાઓ દર્શાવાઈ છે. જેના લીધે આમ આદમી પાર્ટી પર પંજાબમાંથી પણ સત્તાની કમાન છૂટવાનો ડર વધ્યો છે.
કોંગ્રેસ નેતાએ આપી માહિતી
પંજાબ કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવાએ દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીના 32 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. તેઓ કોંગેસમાં આવવા માગે છે. કોંગ્રેસ નેતાના આ દાવાથી પંજાબ રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. વિધાનસભા સત્ર શરૂ થવાના થોડા દિવસ પહેલાં જ બાજવા દ્વારા આ જાહેરાતથી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પંજાબ સરકારથી જ નારાજ હોવાનું જણાવતાં પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે, આ સરકારથી કોઈ કામ થઈ રહ્યા નથી. જેથી તેના જ ધારાસભ્યો તેમનાથી નારાજ છે. તેઓ હવે પક્ષ બદલવા માગે છે. આ સરકારે મહિલાઓને દરમહિને રૂ. 1000 આપવાનું વચન આપ્યું હતું. પરંતુ હજુ સુધી અમલ કર્યો નથી.
પ્રતાપસિંહ બાજવાએ જણાવ્યું કે, ‘ભગવંત માન સરકારનું સેશન હવે વધુ લાંબુ નહીં ચાલે. આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોના પક્ષ પલટો અટકાવવા માટે આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો બદલી શકે છે. તેઓ ભગવંત માનના સ્થાને અન્યને CMની ખુરશી સોંપી શકે છે. દિલ્હીમાં હાર બાદ AAP અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે એક બેઠક બોલાવી હતી. જેમાં પંજાબના તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા હતા. આ બેઠક પક્ષમાં દરારના કારણે બોલાવવામાં આવી હતી.’ જો કે, પક્ષે આ સામાન્ય બેઠક હોવાનું જણાવ્યું હતું.
થોડા જ સમયમાં ઉભરી આવેલી આમ આદમી પાર્ટીને દિલ્હીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે 27 વર્ષ બાદ 48 બેઠકોની પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી છે. જ્યારે દિલ્હીમાં 15 વર્ષથી ચાલતી આમ આદમી પાર્ટીની સત્તાનો અંત આવ્યો છે. AAPને આ ચૂંટણીમાં માત્ર 22 બેઠકો મળી હતી.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હારથી કોંગ્રેસનો પંજાબ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. ભલે દિલ્હીમાં કોંગ્રેસને એક પણ બેઠક ન મળી હોય, પરંતુ પંજાબમાં કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે. જેના લીધે તેને લાગે છે કે, જો ભગવંત માનની સરકાર તૂટે તો તે પંજાબમાં ફરી એકવાર સત્તા પર આવી શકે છે. થોડા સમય પહેલાં કોંગ્રેસ અને ભાજપે દાવો કર્યો હતો કે, અરવિંદ કેજરીવાલ પંજાબમાં ચૂંટણી લડશે, અને જીત મેળવી મુખ્યમંત્રીની કમાન સંભાળશે. જો કે, આમ આદમી પાર્ટીએ આ દાવો ફગાવ્યો હતો.