Mumbai,તા.24
મુંબઈ શેરબજારમાં ફરી વખત ધબડકાનો દૌર શરૂ થયો હોય તેમ નવા સપ્તાહનાં પ્રારંભે જ મંદીનુ મોજુ ફરી વળ્યુ હતું અને સેન્સેકસમાં 800 પોઈન્ટનો કડાકો સર્જાતા ઈન્વેસ્ટરોનાં લાખો-કરોડો રૂપિયા ડુબી ગયા હતા સેન્સેકસ 73000 ની નીચે સરકી ગયો હતો.
શેરબજારમાં આજે શરૂઆત ગેપ ડાઉન રહી હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરીફ લાદવાનો પુનરોચ્ચાર કરતાં માનસ ખરડાયું હતું. વિશ્વ બજારની મંદી ઉપરાંત વિદેશી નાણા સંસ્થાઓની એકધારી વેચવાલીનો પણ પ્રત્યાઘાત પડયો હતો. ચાલુ કેલેન્ડર વર્ષમાં જ વિદેશી નાણા સંસ્થાઓએ 1.10 લાખ કરોડથી વધુનો માલ ફુંકી માર્યો હોવાના આંકડા જાહેર થતા માનસ ખરાબ બન્યુ હતું.
જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે વૈશ્ર્વિક ઘટનાક્રમો માર્કેટની મંદી પાછળ જવાબદાર છે અને ટુંકા ગાળામાં અનિશ્ર્ચિતતાનો માહોલ યથાવત રહે તેમ હોવાથી માર્કેટ પણ બેતરફી વધઘટમાં અટવાયેલુ રહે તેમ મનાય છે.
મુંબઈ શેરબજારમાં સેન્સીટીવ ઈન્ડેકસ 777 પોઈન્ટના કડાકાથી 74533 હતો તે ઉંચામાં 74907 તથા નીચામાં 74503 હતો નેશનલસ્ટોક એકસચેંજનો નિફટી 239 પોઈન્ટ ગગડીને 22556 હતો તે ઉંચામાં 22668 તથા નીચામાં 22549 હતો.
મુખ્ય શેરોમાં ઈન્ફોસીસ, કોટક બેંક, એનટીપીસી, પાવર ગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેન્ક, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, ટાઈટન, અદાણી પોર્ટ, બજાજ ફાઈનાન્સ, ભારત એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, તૂટયા હતા મંદી બજારે પણ ડો.રેડ્ડી, આઈશર મોટર્સ, મહિન્દ્ર, મારૂતી, લાર્સન જેવા કેટલાંક શેરોમાં સુધારો હતો.