Bangladesh હિંદુઓની સુરક્ષાની જવાબદારી લે, સ્થિતિ પર અમારી ચાંપતી નજર; સંસદમાં વિદેશ મંત્રી Jaishankar

Share:

New Delhi,તા.06

બાંગ્લાદેશમાં હિંસાના કારણે હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું દીધું છે અને હાલ તેઓ ભારતમાં આશરો લઈ રહ્યા છે, ત્યારે ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે બાંગ્લાદેશની સ્થિતિ અંગે રાજ્યસભામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે ઢાકાના વહિવટી તંત્ર સાથે સંપર્ક છીએ અને ત્યાંના રાજદૂતો અને હિંદુઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવા ત્યાંની એજન્સીઓને કહેવાયું છે. આ પહેલા બાંગ્લાદેશની હિંસા અંગે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી, વિદેશ મંત્રી, સંરક્ષણ મંત્રી, રાજ્યસભાના નેતા, સંસદીય કાર્યમંત્રી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બાંગ્લાદેશ સંકટ અંગે જયશંકરે રાજ્યસભામાં શું કહ્યું?

બાંગ્લાદેશ સંકટ મામલે રાજ્યસભામાં નિવેદન આપતા વિદેશ મંત્રી એસ. જયશંકરે (S.Jaishankar) કહ્યું કે ‘અમે આ સંકટ પર નજર રાખી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ ત્યાં હિંસા ચાલુ છે. હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમે ઢાકાના સંપર્કમાં છીએ. શેખ હસીના (Sheikh Hasina)એ ભારત આવવાની પરવાનગી માંગી હતી. આ ઉપરાંત અમે બાંગ્લાદેશમાં ભારતીય સમુદાયના સંપર્કમાં પણ છીએ. બાંગ્લાદેશમાં 9000 વિદ્યાર્થીઓ સહિત હજારો ભારતીયો હાજર છે.

બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર હુમલા ચિંતાનો વિષયઃ જયશંકર

તેમણે રાજ્યસભામાં કહ્યું કે, બાંગ્લાદેશ આપણી ખૂબ નજીક છે અને ત્યાં જાન્યુઆરીથી ત્યાં હોબાળો ચાલી રહ્યો છે. બાંગ્લાદેશમાં જુન-જુલાઈમાં હિંસા શરૂ થઈ હતી. અમે ત્યાંના રાજકીય પક્ષોના સંપર્કમાં હતા. ક્વોટા સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી છે અને શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું છે. ચોથી ઓગસ્ટે સ્થિતિ સૌથી વધુ ખરાબ થઈ હતી. ત્યાં મોટાભાગના લઘુમતીઓ પર હુમલા થયા છે, જે ચિંતાનો વિષય છે.

‘અમારી સરકાર ભારતીય સમુદાયના સંપર્કમાં’

તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં જુલાઈથી હિંસા થઈ રહી છે. 21 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે અનામત અંગે ચુકાદો આપ્યો હતો, તેમ છતાં વિરોધ-પ્રદર્શન થયા રહ્યા. ત્યારબાદ ચોથી ઓગસ્ટે ફરી હિંસા શરૂ થઈ, દેખાવકારોએ પોલીસ પર હુમલા કર્યા, જાહેર સંપત્તિને નુકસાન કર્યું, પછી પાંચમી ઓગસ્ટે કર્ફ્યૂ લગાવાયો, તેમ છતાં રસ્તાઓ પર માર્ચ કાઢવામાં આવી. બાંગ્લાદેશની આર્મીના વડાએ દેશને સંબોધન કર્યું અને શાંતિ રાખવા અપીલ કરી. હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવાયા. અમારી સરકાર ભારતીય સમુદાયના સંપર્કમાં છે અને લઘુમતીઓની સ્થિતિ પર નજર રાખી રહી છે.

‘શેખ હસીનાએ ભારત આવવાની મંજૂરી માંગી હતી’

તેમણે કહ્યું કે, હિંસા બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેમણે ભારત આવવાની મંજૂરી માંગી હતી. આપણી સરહદો પર ચોક્સાઈ રાખવામાં આવી રહી છે અને બીએસએફને એલર્ટ પર રહેવા કહેવાયું છે. અમે ઢાકા વહિટીતંત્રના સંપર્કમાં છીએ. ભારત કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. કેન્દ્ર સરકારે પણ હસીના સાથે વિગતવાર ચર્ચા કરી છે. હજુ ત્યાં અસ્થિર સ્થિતિ છે. ત્યાં મંદિરો અને હિન્દુઓના ઘરો તેમજ પ્રતિષ્ઠાનો પર હુમલા કરાયા છે.

સરકાર બાંગ્લાદેશની સ્થિતિ પર નજર : જયશંકર

આ પહેલા વિદેશમંત્રીએ સર્વપક્ષીય બેઠકને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, બાંગ્લાદેશની સ્થિતિ એટલી ચિંતાજનક નથી કે હિંસાગ્રસ્ત દેશમાંથી 12,000-13,000 ભારતીયોને બહાર કાઢવાની જરૂર છે. તેમણે સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે સરકાર વિરોધી દેખાવોના કારણે બાંગ્લાદેશમાં શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછીની સ્થિતિ પર સરકાર ચાંપતી નજર રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં રવિવારથી હિંસા શરૂ થઈ છે, ત્યારે આજે પણ ત્યાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. હિંસા બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી ભારતમાં આશરો લેવો પડ્યો છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 300થી વધુના મોત થયાના અહેવાલો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *