Bangladesh ,તા.06
બાંગ્લાદેશમાં છેલ્લા 15 વર્ષોથી સરકાર ચલાવી રહેલા શેખ હસીનાએ સોમવારે પીએમ પદ પરથી રાજીનામું આપી દીધુ અને તેઓ હેલીકોપ્ટર દ્વારા ભારત આવી ગયા. હાલમાં તેઓ ભારતમાં જ છે અને અહીંથી તેઓ બ્રિટેન જઈ શકે છે. બ્રિટેનથી રાજકીય શરણની મંજૂરી મળ્યા બાદ તેઓ લંડન જઈને રહેવા માંગશે. આમ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાંથી કોઈક રીતે નીકળીને તેઓ ભારતમાં આવી ગયા છે. આ વચ્ચે તેમની પાર્ટી આવામી લીગના નેતાઓના ઘર પર બાંગ્લાદેશમાં સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે, આ નેતાઓને પોતાનો જીવ બચાવવાના ફાંફા પડી રહ્યા છે.
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર હાઈએલર્ટ
હવે આ નેતાઓએ પણ ભારતમાં આશરો આપવા માટે અપીલ કરી રહ્યા છે. ભારતે 4,096 કિમી લાંબી બોર્ડર પર હાઈએલર્ટ કરી દીધુ છે અને વધારાના સૈનિકો તેહનાત કરી દીધા છે. આ વચ્ચે આવામી લીગના ઘણા વરિષ્ઠ નેતાઓ, પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય લોકોએ અપીલ કરી છે કે, ભારત અમને જમીની માર્ગથી સરહદની અંદર પ્રવેશવાની મંજૂરી આપે. પરિસ્થિતિ એટલી ભયાનક છે કે શેખ હસીનાની પાર્ટીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર મશરફે મૂર્તઝાનું ઘર દેખાવકારોએ ફૂંકી માર્યું છે. આ ઉપરાંત એક મેયરના ઘરને પણ આગ ચાંપી દેવામાં આવી હતી જેમાં ત્રણ લોકો અંદર જીવતા સળગી ગયા હતા. જેના કારણે શેખ હસીના સરકારમાં સામેલ નેતાઓમાં ભયનો માહોલ છે. આ નેતાઓ હવે ભારતમાં જ આશ્રય માંગી રહ્યા છે.
વિઝા વગર ભારતમાં આશરો લેવા માંગે છે બાંગ્લાદેશી નેતાઓ
સમસ્યા એ છે કે આમાંના ઘણા નેતાઓ પાસે વિઝા અને પાસપોર્ટ પણ નથી જેના દ્વારા તેઓ દિલ્હી આવી શકે. ભારતના અવામી લીગના નેતાઓ સાથે સારા સંબંધો છે. 1971માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન પણ ભારતે મદદ કરી હતી. તે આંદોલનનું નેતૃત્વ શેખ મુજીબુર રહેમાને કર્યું હતું, જેમને બંગબંધુનું બિરુદ આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશી નેતાઓની સમસ્યા એ છે કે ઢાકાનું એરપોર્ટ બંધ છે અને નિયમિત ફ્લાઈટ્સ પણ ઠપ છે. આવી સ્થિતિમાં આ લોકો પાસે એક જ વિકલ્પ છે કે, તેઓ ત્રિપુરા અને બંગાળની સરહદોથી ભારતમાં પ્રવેશ કરી શકે.
પૂર્વ ગૃહમંત્રીના ઘરને આગ ચાંપી, મહાસચિવ તો ગૂમ જ થઈ ગયા
બાંગ્લાદેશમાં એ જૂનો ઈતિહાસ રહ્યો છે કે તખ્તાવલટ બાદ જે નેતાઓ અગાઉ સત્તામાં હતા તેમની હત્યા કરી નાખવામાં આવી. આવી સ્થિતિમાં શેખ હસીનાએ દેશ છોડી દીધા બાદ અન્ય નેતાઓ પણ ઈચ્છે છે કે અમને ક્યાંક સુરક્ષિત આશરો મળે. શેખ હસીના સરકારમાં ગૃહમંત્રી રહેલા અસદુઝમાન કમાલના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અવામી લીગના મહાસચિવ અબ્દુલ કાદર તો ગાયબ જ છે. રવિવારથી તેમના વિશે કોઈ માહિતી નથી મળી. હાલમાં અવામી લીગના નેતાઓ પરસ્પર પણ સંપર્ક નથી કરી શકતા અને કોઈક રીતે પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.