New Delhi,તા.20
એક ખૂબ જ દુ:ખદ ઘટનામાં સામે આવી છે, જેમાં રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં પ્રેક્ટિસ દરમિયાન 270 કિલોના પાવર લિફ્ટિંગ વખતે એક જુનિયર નેશનલ ગેમ્સની ગોલ્ડ મેડાલીસ્ટ વિજેતા મહિલા પાવર-લિફ્ટરનું મૃત્યુ થયું હતું. પોલીસે બુધવારે (19 ફેબ્રુઆરી) આ અંગે જાણકારી આપી હતી કે 17 વર્ષની યષ્તિકા આચાર્યનું જિમમાં પાવર લિફ્ટિંગ વખતે અકસ્માત થતા ઘટનાસ્થળે જ મોત થયું હતું.
યષ્તિકા આચાર્ય પ્રતિભાશાળી પાવર લિફ્ટર હતી. તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા મેડલ જીત્યા હતા. બિકાનેરમાં ટ્રેનિંગ દરમિયાન તે 270 કિલો વજન ઉંચકતી હતી. આ દરમિયાન અચાનક આ ભારે વજન તેની ગરદન પર આવી ગયું હતું અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. તેમજ આ અકસ્માતમાં તેનો ટ્રેનર પણ ઘાયલ થયો હતો.
યષ્તિકાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ગોવામાં નેશનલ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપમાં સબ-જુનિયર 84 કિગ્રા અને તેનાથી વધુ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પાવર લિફ્ટિંગમાં રમતવીર ત્રણ લિફ્ટમાં મહત્તમ વજન ઉપાડવાનો પ્રયાસ કરે છે: સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ. સ્ક્વોટમાં, વજન લિફ્ટરના માથાની પાછળના ખભા પર રહે છે.આ દુઃખદ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે યષ્તિકાની ગરદન પર વજન પડે છે. એસએચઓએ પુષ્ટિ કરી કે યષ્તિકાના પરિવારે આ ઘટના અંગે પોલીસ કેસ નોંધાવ્યો નથી. બુધવારે પોસ્ટમોર્ટમ બાદ તેનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.