ભાવનગર જિલ્લામાં આજે ત્રણ પાલિકાની સામાન્ય ચૂંટણી, ત્રણ તાલુકા પંચાયતની પાંચ સીટ અને ભાવનગર મહાપાલિકાની એક બેઠક માટે મતદાન થયું હતું. જેમાં સિહોર નગરપાલિકામાં સૌથી વધુ ૬૧.૨૭ ટકા (ટેન્ટેટીવ), ગારિયાધાર ન.પા.માં ૫૬.૭૭ ટકા (ટેન્ટેટીવ) અને તળાજા પાલિકામાં ૫૭.૩૦ ટકા (ટેન્ટેટીવ) મતદાન થયું હતું. આ ઉપરાંત તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીમાં તળાજા તા.પં.ની નવા-જૂના રાજપરા સીટ ઉપર ચિંતાજનક રીતે માત્ર ૧૭.૧૫ ટકા (ટેન્ટેટીવ), ઉંચડી બેઠક ઉપર ૨૭.૮૬ ટકા (ટેન્ટેટીવ), સિહોર તાલુકા પંચાયતની વળાવડ બેઠકની પેટા ચૂંટણીમાં ૩૭.૫૯ ટકા (ટેન્ટેટીવ), સોનગઢ બેઠક પર ૩૬.૪૮ ટકા (ટેન્ટેટીવ) અને ભાવનગર (ગ્રામ્ય) તાલુકા પંચાયતની લાખણકા બેઠક ઉપર સૌથી વધુ ૩૯.૬૦ ટકા (ટેન્ટેટીવ) મતદાન થયું હતું.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકાના વડવા-બ, વોર્ડ નં.૩ની એક બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં પણ મતદારોની નિરશતા જોવા મળી હતી. આ બેઠકની ચૂંટણીમાં માત્ર ૩૩.૫૧ ટકા (ટેન્ટેટીવ) જ મતદાન થયું હતું.
જિલ્લામાં યોજાયેલી સામાન્ય અને પેટા ચૂંટણીમાં એકલ-દોકલ ફરિયાદોને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થતાં ચૂંટણી અને પોલીસ તંત્રે રાહતનો દમ લીધો હતો. સવારે ૭ કલાકથી નિરંતર સાંજે ૬ કલાક સુધી ચાલેલી મતદાનની પ્રક્રિયા બાદ તમામ મતદાન મથકો પરથી સુરક્ષા કર્મીઓ સાથે ઈવીએમને સ્ટ્રોગરૂમમાં લઈ જવામાં આવ્યા હતા. જિલ્લાની પેટા ચૂંટણીઓમાં નીચા મતદાને ચિંતા રાજકીય પક્ષોની ચિંતા વધારી હોવા છતાં પણ ઉમેદવારો કે મુખ્ય રાજકીય પક્ષોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં જરા પણ મીલ કીધી ન હતી. જો કે, જીતનો આત્મવિશ્વાસ ઠગારો નિવડે છે કે સાચો ઠરે છે ? તે તો મંગળવારે ઈવીએમના પટારામાંથી બહાર આવનાર જનાદેશ બાદ જ ખબર પડશે. હાલ તો મતદાન પૂર્ણ થયા બાદ કોણ જીતશે અને કોઈ સત્તામાં આવશે ? તેની રાજકીય પંડીતોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
1.72 લાખમાંથી માત્ર 81 હજારથી વધુ મતદાતાએ વોટ આપ્યો
ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોને રસ જ ન હોય તેવું અગાઉથી જ લાગી રહ્યું હતું. ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈ ચૂંટણી પ્રચાર સુધીના સમયમાં ચૂંટણીનો ટેમ્પો જામ્યો જ ન હતો. જેનું પરિણામ આજના મતદાનના આંકડા ઉપરથી સ્પષ્ટ દેખાયું છે. જિલ્લાની ત્રણ નગરપાલિકા, ત્રણ તાલુકા પંચાયતની છ બેઠક અને મનપાની એક બેઠક મળી સાત બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં કુલ ૧,૭૨,૭૪૬ મતદાતા નોંધાયેલા હતા. તેમાંથી અર્ધાથી પણ ઓછા માત્ર ૮૧,૯૧૮ મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
દરેક વોર્ડ-બેઠકમાં સ્ત્રી મતદારોનું નીચું મતદાન
ભાવનગર જિલ્લાની ચૂંટણીઓમાં ઓછું મતદાન થયાના કારણમાં સ્થાનિક પ્રશ્નો તો રહ્યા જ હતા. પરંતુ તેની સાથે મતદારોની નિરશતા પણ ચિંતા ઉપજાવનારી હતી. તેમાં પણ સ્ત્રી મતદારોમાં લોકતંત્રના ઉત્સવમાં પોતાની જવાબદારીનો અભાવ ઉડીને આંખે વળગ્યો હતો. એકપણ વોર્ડ કે બેઠક એવી નથી રહી કે જ્યાં સ્ત્રી મતદારોની ટકાવારી પુરૂષોથી ઉંચી રહી હોય. તળાજા પાલિકામાં કુલ ૧૧,૬૫૫ સ્ત્રી મતદાર નોંધાયા હતા. જેમાંથી માત્ર ૬,૧૮૫ (૫૩.૦૭ ટકા) સ્ત્રી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સિહોર પાલિકામાં ૨૨,૩૯૧માંથી ૧૨,૮૬૨ (૫૭.૪૪ ટકા), ગારિયાધાર ન.પા.માં ૧૩,૦૪૯માંથી ૬,૯૨૩ (૫૬.૭૭ ટકા) સ્ત્રી મતદારો મતદાન કરવા બૂથ સુધી આવ્યા હતા. જ્યારે ભાવનગર મનપાની પેટા ચૂંટણીમાં ૨૦,૬૪૬ પૈકી ૬,૫૦૧ (૩૧.૪૯ ટકા), તળાજા તા.પં.ની ઉંચડી બેઠકની પેટા ચૂંટણીમાં ૩,૯૬૭માંથી માત્ર ૯૫૨ (૨૪.૦૦ ટકા), નવા-જૂના રાજપરા સીટમાં ૩૩૭૯માંથી ૪૭૮ (૧૪.૧૫ ટકા), ભાવનગર (ગ્રામ્ય) તા.પં.ની લાખણકા બેઠકમાં ૨૭૨૨માંથી ૯૧૪ (૩૩.૫૮ ટકા), વળાવડ સીટ પર ૩૦૭૪માંથી ૧૦૩૫ (૩૩.૬૭ ટકા), સિહોર તા.પં.ની વળાવડ બેઠકમાં ૩૦૭૪માંથી ૧૦૩૫ (૩૩.૬૭ ટકા) અને સોનગઢ સીટની ચૂંટણીમાં ૨૭૩૨માંથી ૮૮૪ (૩૨.૩૬ ટકા) સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું.