Sonia Gandhi એ વહેલી તકે વસ્તી ગણતરી હાથ ધરવાની માંગ કરી

Share:

સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે ખાદ્ય સુરક્ષા એ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર

New Delhi, તા. ૧૦

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પક્ષના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે વહેલી તકે વસ્તી ગણતરી હાથ ધરવાની માંગ કરી હતી જેથી કરીને તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટી આપવામાં આવેલ લાભો મળી શકે. રાજ્યસભામાં ઝીરો અવર દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તેમણે એમ પણ કહ્યું કે ખાદ્ય સુરક્ષા એ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે.

તેમણે કહ્યું કે યુપીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એ એક ઐતિહાસિક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય ૧૪૦ કરોડની વસ્તી માટે ખોરાક અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. તેમણે કહ્યું કે આ કાયદાએ લાખો નબળા પરિવારોને ભૂખમરાથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, ખાસ કરીને કોવિડ ૧૯ રોગચાળાની કટોકટી દરમિયાન અને આ કાયદાએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો આધાર પણ પૂરો પાડ્યો છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, ૭૫ ટકા ગ્રામીણ અને ૫૦ ટકા શહેરી વસ્તી સબસિડીવાળા અનાજ મેળવવા માટે હકદાર છે. જો કે, લાભાર્થીઓ માટેનો ક્વોટા હજુ પણ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે નક્કી કરવામાં આવે છે જે હવે એક દાયકા કરતાં વધુ જૂનો છે એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું, ‘સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર વસ્તી ગણતરીમાં ૪ વર્ષથી વધુ સમય વિલંબ થયો છે. મૂળ રૂપે તે ૨૦૨૧ માટે નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હજુ પણ વસ્તી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી ગાંધીએ જણાવ્યું હતું કે બજેટ ફાળવણી દર્શાવે છે કે આ વર્ષે પણ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે તેવી શક્યતા નથી.

તેમણે કહ્યું, ‘આ રીતે લગભગ ૧૪ કરોડ પાત્ર ભારતીયોને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ તેમના યોગ્ય લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. તે મહત્વનું છે કે સરકાર વહેલી તકે વસ્તી ગણતરી પૂર્ણ કરવા માટે પ્રાથમિકતા આપે અને ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ગેરંટી આપવામાં આવેલ લાભો તમામ પાત્ર વ્યક્તિઓને મળે તે સુનિશ્ચિત કરે, તે એક મૂળભૂત અધિકાર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *