ઘરે ધસી આવી પૈસા આપી દો નહીંતર દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યાજંકવાદી વિરુદ્ધ ગુનો દાખલ
Upleta,તા.18
ઉપલેટામાં વ્યાજખોર શખ્સે રૂ. 70 હજાર વ્યાજે આપી દંપતીને ત્રાસ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. 70 હજારની સામે ભોગ બનનારે 50 હજાર ચૂકવી દીધા છતાં વ્યાજખોરે વધુ અઢી લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં અંતે પ્રૌઢાએ ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મામલામાં ઉપલેટા પોલીસમાં શેરબાનુબેન આમદભાઇ ઉનડ (ઉ.વ.૪૫ રહે. ચોક ફળીયા, ખાટકીવાડા, ઉપલેટા)એ નોંધાવેલી ફરિયાદમાં સાહીલ હબીબભાઈ સમાનું નામ આપતાં જણાવ્યું હતું કે, આજથી આશરે સાડા ત્રણ વર્ષ પહેલા મારા પતિને લાકડાનો ધંધો કરવો હોય અને ધંધામાં પૈસાની જરૂરીયાત ઉભી થતાં અમે હાડફોડીના સાહિલભાઇ હબીબભાઇ સમા પાસેથી લાકડાના ધંધાના કામે વ્યાજેથી રૂ.૭૦,૦ ૦૦ લીધેલ હતાં. આ રૂપિયા મારા પતિએ કેટલા ટકા વ્યાજે લીધેલ તે મને ખબર નથી. થોડા સમય બાદ કટકે કટકે કરીને મેં તથા મારા પતિએ આ સાહિલભાઈ હબીબભાઈ સમાને આશરે રૂ.૫૦,૦૦૦ જેટલા પૈસા ચુકવી આપેલ છે. અને બાકી નિકળતા પૈસા અગાઉં ચુકવી આપવા તૈયાર હતા.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે હું મારા કામથી બહાર જતી ત્યારે મારા ઘર પાસે ચોકમાં આ સાહિલભાઈ હબીબભાઇ સમા પોતાની કાળા કલરની સ્કોર્પિયો ગાડી લઈને ધસી આવ્યા હતા. તેણે આવીને કહ્યું હતું કે, તારો પતિ ક્યાં છે જીવે છે કે મરી ગયો ? અને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી મને કહેલ કે તમારી પાસે મુદ્દલ તથા વ્યાજ સહિત મારા અઢી લાખ નિકળે છે તે મને ચૂકવી આપો નહિંતર હું તને તથા તારા પતિને જાનથી મારી નાખીશ. તેમજ જો તારો પતિ ઉપલેટામાં પગ મુકશે તો મારાથી બચી નહીં શકે, હું તેને મારી નાંખીશ અને સાંજ સુધીમાં તારા આ મકાનનો કબ્જો હું ગમે તેમ કરીને મેળવી લઇશ. જો પોલીસમાં ફરિયાદ કરશો ટો પોલીસ પણ મારૂ કંઈ બગાડી શકશે નહિ.
વ્યાજખોરના ત્રાસના લીધે પતિ બે વર્ષથી ઘરે પણ આવ્યો નથી ત્યારે અંતે કંટાળી પ્રૌઢાએ અંતે ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ વ્યાજખોરોની શોધખોળ શરૂ કરી છે.