અમર શહીદ હેમુ કાલાણીની ૮૨મી પુણ્યતિથીએ શત શત નમન

Share:

ભારત દેશને અંગ્રેજ હુકુમત સામે આઝાદી અપાવવામાં હજારો નામી-અનામી વીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી ઈતિહાસમાં અમર થઇ ગયા છે.એમાં સહુથી નાની ઉમરમાં ફાંસીના ફંદામાં લટકી અમર થઇ ગયાં એવા વીર શહીદ હેમુ કાલાણીની ૮૨મી પુણ્યતિથીએ શત શત નમન સાથે શ્રદ્ધાંજલિ.જન માનસમાં આવા વીર સપુતની યાદ હરહંમેશ બની રહે તે માટે ભારતીય સિંધુ સભા દ્વારા દર વર્ષે ૨૧મી જાન્યુઆરીએ શહીદ દિવસ નિમિતે શ્રદ્ધાંજલિનાં કાર્યક્રમો રાખવામાં આવે છે.

હેમુ કાલાણીનો જન્મ ૨૩મી માર્ચ, ૧૯૨૪ના દિવસે અખંડ હિન્દુસ્તાનના સિંધ પ્રાંતમાં જુના સુક્કરમાં એક માધ્યમ પરિવારમાં થયો હતો.તેમનાં પિતાનું નામ પેસુમલ કાલાણી અને માતાનું નામ જેઠીબાઈ હતું. તેઓ પરિવારમાં સહુથી મોટા સંતાન હતાં.તેઓ વિદ્યાર્થી કાળથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતાં. તેમનાં કાકા ર્ડા.મંઘારામ કાલાણી એક પ્રખ્યાત કોંગ્રેસી નેતા હતાં અને સ્વાતંત્રીય સેનાની હતાં. કિશોરવયના હેમુ ઉપર તેમનો ઘણો પ્રભાવ હતો.

જ્યારે ગાંધીજીએ ૧૯૪૨માં ભારત છોડો ચળવળ શરૂ કરી ત્યારે તે આઝાદીનાં ચળવળનો સમય હતો.હેમુ કલાણી કે જેઓ આ કાર્યવાહીથી ખૂબ પ્રભાવિત થઇ સ્વરાજ-સેના એક ક્રાંતિકારી જૂથમાં જોડાયા હતા અને તેના ટોચના અધિકૃત હોદ્દા પર પહોંચ્યા હતા.આ જૂથે ભારત માતાને સંસ્થાનવાદની સાંકળોમાંથી મુક્ત કરવા માટે કેટલીક હિંમતવાન ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હાથ ધરવા ગુપ્ત રીતે તેની એક બેઠક દરમિયાન “ક્રાંતિકારી આદેશ” ની સ્થાપના કરી હતી.

હેમુ કલાણીનાં મનમાં હરહંમેશ દેશને આઝાદ કરવાનાં વિચારો સાથે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી.૨જી ઓક્ટોબર-૧૯૪૨ના રોજ ક્રાંતિકારી જૂથ સ્વરાજ સેનાને ગુપ્ત માહિતી મળી હતી કે લશ્કરી સૈનિકો અને લશ્કરી શસ્ત્ર સરંજામ,દારૂગોળો ભરીને એક ટ્રેન ક્વેટા અને રોહરી વચ્ચે પસાર થઇ રહી છે.સ્વતંત્રતાના પ્રખર સમર્થક હેમુ કાલાણીએ દારૂગોળો,શસ્ત્ર સરંજામ નિશ્ચિત સ્થાન ઉપર ન પહોંચે તે માટે ટ્રેનને પાટા ઉપરથી ઉથલાવવાનો પ્લાન ઘડયો.તેમણે ક્રાંતિકારી ગ્રુપની ઈમરજન્સી મીટીંગ બોલાવી. જે દરમ્યાન તેઓ અને અન્ય બે સાથીઓ સુક્કુર નજીક રેલ્વે પાટાની ફીશપ્લેટોને કાઢી ટ્રેનને ઉથલાવવાની યોજના બનાવી.કમનસીબે ફીશપ્લેટો કાઢતી વખતે જ અવાજ થવાથી સુરક્ષાકર્મીઓ આવી ચઢ્યા.હેમુનાં બે સાથીઓ ભાગી છૂટવામાં સફળ થયા પરંતુ હેમુ કાલાણી ઝડપાઈ ગયા.હેમુને તેના સાથીદારો અને જે સંસ્થા સાથે સંબંધ ધરાવે છે તેની માહિતી કઢાવવા અમાનુષી ત્રાસ આપવામાં આવ્યો તેમ છતાં હેમુએ પોતાનાં સાથીઓની ઓળખ છતી ન કરી અને તમામ જવાબદારી પોતાનાં માથે લઇ લીધી.

કિશોરવયનાં હેમુ પર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો.તેમને આજીવનકેદની સજા કરવામાં આવી પરંતુ તે સમયે સિંધ માર્શલ-ર્લા હેઠળ હતી.તેનો કેસ માર્શલ-ર્લા કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો.ઇન્ચાર્જ વરિષ્ઠ અધિકારી કર્નલ રીચાર્ડસને આઝાદીની ઉશ્કેરાટ ભરી ચળવળનો અંત લાવવા માટે એક ઉદાહરણ બેસાડવાનું નક્કી કર્યું અને આજીવન કેદમાંથી હેમુને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી.હેમુ કાલાણીના માતા-પિતા તથા સિંધના અન્ય લોકોએ ફાંસીની સજા ઘટાડવા માટે પ્રયત્નો કર્યા પણ અંગ્રેજ સરકારના અધિકારીઓએ પોતાનાં સાથીઓના નામ આપવાની શરતે ફાંસીની સજા માફ કરવાની શરત મૂકી પરંતુ હેમુ કાલાણીએ પોતાના સાથીઓના નામ આપવાનો ઇનકાર કર્યો.આખરે ૨૧મી માર્ચ-૧૯૪૩ના દિવસે માત્ર ૧૯ વર્ષની વયે હેમુ કાલાણીને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા.કહેવાય છે કે હેમુ કાલાણીને ફાંસીની સજા સાંભળી એટલી ખુશી થઇ કે સજાની જાહેરાત અને સજાના અમલ વચ્ચે તેમનું વજન ઘણું જ વધી ગયું હતું.ફાંસીના દિવસે તેઓ બહુ જ ખુશ દેખાઈ રહ્યા હતાં.એક હાથમાં શ્રીમદ ભગવદગીતા લઇ હસતાં અને ગીત ગણગણી તેઓ ફાંસીના માંચડા સુધી ગયા.ભારતમાતાકી જય અને ઇન્કલાબ ઝીન્દાબાદના જયગોષ સાથે ફાંસીનાં માંચડે લટકી ગયા.આજ દિવસે શહીદ હેમુ કાલાણીના અંતિમ સંસ્કાર સિંધુનદીને કિનારે કરવામાં આવ્યા હતાં.

હેમુ કાલાણીના બલિદાનને સન્માન આપવા અને આજના યુવાનોને પ્રોત્સાહિત કરવા ૨૧મી જાન્યુઆરીએ સિંધી યુવા દિવસ અને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.૨૧મી ઓગસ્ટ-૨૦૦૩ના દિવસે તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી બાજપેયીએ શહીદ હેમુ કાલાણીનું સ્મારકનું અનાવરણ કર્યું હતું. શહીદ હેમુ કાલાણીના સન્માનમાં દેશના ઘણાં શહેરોમાં શહીદ હેમુ કાલાણીની પ્રતિમાઓની સ્થાપના કરી તથા રસ્તા વિગેરેના નામો આપી શહીદ હેમુ કાલાણીની યાદ કાયમ રહે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં નવી દિલ્હીમાં શહીદ હેમુ કાલાણી સર્વોદય બાલ વિદ્યાલયનો પણ સમાવેશ થાયે છે.આવા વીર સપુત અમર શહીદ હેમુ કાલાણીને ૮૨મી પુણ્યતિથીએ શત શત નમન..

રીપોર્ટઃ

ઈશ્વરદાસ સેવકાણી

માસ્ટર માઇન્ડ કોમ્પ્યુટર,

બસ સ્ટેશન સામે,ગોધરા

૯૯૦૯૯૨૧૩૬૭(મો)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *