Mumbai,તા.17
આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને શરૂ થવામાં ફક્ત 4 અઠવાડિયા બાકી છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ પોતાની પહેલી મેચ રમશે. પરંતુ આ મહત્તવપૂર્ણ ટુર્નામેન્ટ પહેલા ભારતીય ટીમમાં મોટી ઉથલપાથલ થઇ રહી છે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર વચ્ચે ઘણી બાબતો પર ટકરાવ ચાલી રહ્યો છે. એટલું જ નહીં ગંભીરનું કડક વલણ ખેલાડીઓને પસંદ નથી આવી રહ્યું. આનાથી ટીમમાં તેની સામે બળવાની સ્થિતિ ઊભી થઈ છે. આ સ્થિતિમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે શું ગંભીર પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે?
ઘણાં ખેલાડીઓ ગંભીરના વલણથી નારાજ
કોચ ગૌતમ ગંભીર માટે ટીમના ખરાબ પ્રદર્શન કરતાં પણ મોટો પડકાર ટીમમાં થઇ રહેલો બળવો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણાં ખેલાડીઓને તેની કામ કરવાની રીત પસંદ નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેની અને ભારતીય કેપ્ટન વચ્ચે અણબનાવના અહેવાલો પણ સામે આવ્યા હતા. એટલું જ નહીં હવે ગંભીરે બધા ખેલાડીઓ સાથે કડક વલણ અપનાવતા BCCI સાથે ચર્ચા કરીને લગભગ 10 પ્રકારના નવા કડક નિયમો ખેલાડીઓ માટે બનાવ્યા છે. આ સ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની હાર થશે તો તેની આ કડકાઈ તેના માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેને રાજીનામું આપવાની ફરજ પડી શકે છે. આવું જ કઈક 8 વર્ષ પહેલા પણ બન્યું હતું.
અગાઉ અનિલ કુંબલેએ આપવું પડ્યું હતું રાજીનામું
વર્ષ 2017માં અનિલ કુંબલેએ ચેમ્પિયન્સ ટ્રોફી પછી તેના કઠોર વલણને કારણે રાજીનામું આપવું પડ્યું હતું. એ સમયે તેને વિરાટ કોહલી સામે ઝૂકવું પડ્યું હતું. અનુભવી ભારતીય સ્પીનર અનિલ કુંબલેએ જૂન 2016માં મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તે સમયે કુંબલે અને તત્કાલીન ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું ન હતું. મીડિયામાં એ વાત સામે આવી હતી કે કુંબલે ટીમ સાથે જોડાયેલી દરેક બાબતમાં ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યો હતો. તેણે શિસ્ત પર ખૂબ ભાર મૂક્યો હતો.
કોહલીએ કરી હતી કુંબલેની ફરિયાદ
ભારતીય ટીમના ઘણાં ખેલાડીઓ તેના કોચિંગને લઈને નારાજ હતા. વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન આ મુદ્દો ગરમાયો હતો અને કોહલીએ આ અંગે BCCI ને ફરિયાદ કરી હતી. ત્યારબાદ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ અનિલ કુંબલેએ રાજીનામું આપી દીધું હતું. આ પછી મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો થયો હતો કે, તેને આવું કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. હવે કદાચ ગંભીર સાથે પણ આવું જ થઈ શકે છે.
તો ગંભીરની મુશ્કેલીઓ વધી શકે છે……..
ગૌતમ ગંભીર ઓગસ્ટ 2024માં ભારતીય ટીમ સાથે જોડાયો હતો. ત્યારથી ટીમના પ્રદર્શનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમને 27 વર્ષ પછી શ્રીલંકામાં વનડે સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો. આ સિવાય ભારતનો ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પહેલી વખત વ્હાઇટવોશ થયો હતો. આ પછી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પણ બોર્ડર ગાવસ્કર ટ્રોફી 1-3 થી હારી ગઈ હતી. આ સાથે જ ભારતીય ટીમનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું હતું. હવે જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં હારી જાય છે તો ગંભીરની મુશ્કેલીઓ વધી શકે છે.