ક્રિકેટરોના ‘Star Culture’ પર અંકુશ:ખેલાડીઓ માટે 10 નિયમોની માર્ગદર્શિકા

Share:

New Delhi, તા.17
ભારતીય ક્રિકેટ ટીમના છેલ્લી બે સીરીઝમાં અત્યંત ખરાબ-કંગાળ પ્રદર્શનથી તીવ્ર પ્રત્યાઘાતો પડયા જ છે. હવે ક્રિકેટરોને શિસ્તમાં રાખવા તથા પરફોર્મન્સ પર જ ખેલાડીઓનું ફોકસ રહે તે સુનિશ્ચિત કરવા માટે 10 મુદાઓની માર્ગદર્શિકા ક્રિકેટ બોર્ડે જારી કરી છે. આ 10 નિયમોનુ પાલન ફરજીયાત બનાવ્યુ છે અને તેનો ભંગ કરવાના સંજોગોમાં ‘અંજામ-પરિણામ ભોગવવાની’ તૈયારી રાખવા પણ ખેલાડીઓને સાફ ચેતવણી આપવામાં આવી છે.

ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 0-3 તથા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 1-3થી સીરીઝમાં કારમો પરાજય મળ્યા બાદ સ્તબ્ધ બનેલા ક્રિકેટ બોર્ડે ખેલાડીઓના ‘સ્ટાર કલ્ચર’ને અંકુશમાં લેવાની વિચારણા શરૂ કરી જ દીધી હતી અને તેના ભાગરૂપે હવે 10 નિયમો સાથેની માર્ગદર્શિકા જારી કરી દેવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે જારી કરેલા 10 નિયમો અંતર્ગત ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો માટે ઘરેલુ ક્રિકેટમાં રમવાનુ ફરજીયાત કરવામાં આવ્યુ છે જયારે વિદેશ પ્રવાસ વખતે પત્ની-પરિવાર તથા અંગત સ્ટાફને સાથે રાખવા પર નિયંત્રણો મુકવામાં આવ્યા છે. આ સિવાય પ્રવાસ દરમ્યાન વ્યક્તિગત વિજ્ઞાપન-બ્રાન્ડ-એન્ડોર્સમેન્ટ માટે ફોટોશુટ કરવા પર પાબંદી મુકવામાં આવી છે.

ભારતીય ટીમમાં આંતરિક વિખવાદ હોવાની પણ અટકળો થઈ રહી છે ત્યારે ટીમમાં ‘શિસ્ત અને એકતા’ને ઉતેજન આપવા માટે આ કદમ ઉઠાવવામાં આવ્યા છે. આ નવા નિયમોનું પાલન નહીં કરનારા ખેલાડીઓ પર પ્રતિબંધ મુકવા જેવા એકશન લેવામાં આવશે. વેતનમાં કાપ, આઈપીએલમાં ભાગ લેવા પર પાબંદી જેવા એકશન પણ લેવાશે.

ભારતીય ટીમના વિદેશ પ્રવાસ વખતે પત્ની-પરિવારના સભ્યોને માત્ર બે સપ્તાહ સુધી જ ખેલાડીની સાથે રહેવાની છુટ્ટ રહેશે. આ ઉપરાંત મેચ અથવા સીરીઝ વ્હેલી ખત્મ થઈ જાય તો ખેલાડીઓને વ્હેલા પરત ફરવા સામે પણ નિયંત્રણ રહેશે.

નવા નિયમો હેઠળ દરેક ખેલાડીએ પ્રવાસમાં ટીમની સાથે જ એક સાથે જવું પડશે. અલગ રીતે અથવા પરિવારની સાથે જવું હોય તો ક્રિકેટ બોર્ડની પૂર્વ મંજૂરી મેળવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ સિવાય ખેલાડીઓ નિયત કરતા વધુ સામાન પણ નહીં લઇ જઇ શકે, વધુ સામાન રહેવાના સંજોગોમાં ખેલાડીએ પોતે જ તેનો ખર્ચ ઉઠાવવો પડશે.

પ્રેકટીસમાં પણ તમામ ખેલાડીઓએ ફરજીયાત ભાગ લેવો પડશે. એકથી બીજા સ્થાને પ્રવાસમાં પણ તમામે  એક સાથે મુસાફરી કરવી પડશે. સીરીઝ દરમ્યાન ક્રિકેટ બોર્ડના કોઇપણ સત્તાવાર કાર્યક્રમ હોય તો તેમાં સામેલ થવાનું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે. 

10 નિયમોની માર્ગદર્શિકામાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે નિયમ ભંગ બદલ ખેલાડી સામે એકશન લેવા ક્રિકેટ બોર્ડને સત્તા રહેશે. નિયમ ભંગ કરનારને આઇપીએલ સહિત કોઇપણ ટુર્નામેન્ટમાં સામેલ થવા પર પ્રતિબંધ  મુકાઇ શકે છે. ઉપરાંત મેચ ફીમાં કાપ જેવા પગલા પણ લેવાશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *