Ahmedabad,તા.16
મોટી ઉંમરે પણ છુટાછેડા લેવાના વધતા જતા કેસમાં ગુજરાત હાઈકોર્ટે 25 વર્ષથી ડીવોર્સ માટે કાનુની લડાઈ લડી રહેલા એક યુગલને આખરે છુટાછેડાની મંજુરી આપતા હાઈકોર્ટે કહ્યું કે, 43 વર્ષના લગ્ન જીવનમાં 25 વર્ષ અલગ રહ્યા પછી પણ આ લગ્નજીવનમાં એકબીજા સામે ધૃણા અને નફરત સિવાય કશું બચ્યુ નથી તેથી તેને ટકાવી રાખવાનો કોઈ અર્થ જ નથી.
60 વર્ષના પતિએ ફેમીલી કોર્ટ દ્વારા તેના પત્નીની છુટાછેડાની અરજી નકાર્યા બાદ ગુજરાત હાઈકોર્ટનો આશરો લીધો હતો. ન્યાયમૂર્તિ બિરેન વૈશ્નવ અને ન્યાયમૂર્તિ ડી.એમ.દેસાઈની ખંડપીઠે નોંધ્યુ કે, જયારે પક્ષકારોએ તેમના જીવનનો મોટાભાગનો સમય છુટાછેડાની કાનુની લડાઈમાં જ વ્યસ્ત રહ્યા છે.
અમો આ પ્રકારના કડવાશભર્યા સંબંધો માટે દિલગીરી અનુભવીએ છીએ. આ યુગલના લગ્નજીવનથી થયેલો પુત્ર પણ હવે 40 વર્ષનો થયો છે અને તે પોતાનું કુટુંબ ધરાવે છે અને અમો અનુભવીએ છીએ કે આ લગ્નજીવનમાં બન્ને વચ્ચે કડવાશ કે નફરત સિવાય કશું બચ્યું જ નથી.
1982માં લગ્ન કરનાર આ યુગલના જીવનમાં બહું જલ્દી વિવાદો ઉભા થવા લાગ્યા હતા. પતિની ફરિયાદ હતી કે, તેના પત્ની વધુ પડતા નાણા માંગે છે અને ના પાડે તો તેને માનસીક રીતે હેરાનગતી કરે છે. તેના પત્નીએ ક્રિમીનલ કેસ પણ દાખલ કર્યો છે.
ફેમીલી કોર્ટમાં કેસ ચાલતો હતો તે સમયે પત્નીના સ્વજનોએ તેને માર પણ આપ્યો હતો અને તે સંબંધી ફરિયાદ પણ નોંધાઈ હતી. 1998માં પત્ની ઘર છોડી ચાલી ગઈ હતી અને 2003માં તેઓએ છુટાછેડાની અરજી દાખલ કરી પણ ફેમીલી કોર્ટે નકારી હતી.
પત્નીનું કહેવું હતું કે ફેમીલી કોર્ટે તેના કેસ સંબંધીત તથ્યો તપાસ કર્યા નથી. બે દશકાથી મંજુરી જુદી રહે છે અને તેઓ સાથે રહેવા પણ ઈચ્છતા નથી.