New Delhi, તા.15
અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના સાથે ભારતને સાચી આઝાદી મળી છે તેવા સંઘ વડા મોહન ભાગવતના વિધાનો પર હવે રાહુલ ગાંધીએ પ્રતિભાવ આપતા કહ્યું કે, મોહન ભાગવતે દેશના બંધારણનું અપમાન કર્યું છે.
આજે દિલ્હીમાં કોંગ્રેસના નવા કાર્યાલયના ઉદ્ઘાટનમાં શ્રી રાહુલ ગાંધીએ કહ્યું કે ભાગવતના વિધાનો દેશ દ્રોહ અને બંધારણના અપમાન જેવા છે. તેઓ કહે છે કે બંધારણીય આપણી સ્વતંત્રતાનું પ્રતિક નથી પરંતુ તેઓ દર બે-ત્રણ દિવસે દેશને બતાવવા માંગે છે કે સ્વતંત્રતા આંદોલન અને બંધારણ અંગે તેમના વિચારો શું છે, કાલે જે તેમણે કહ્યું તે વિધાનો અસાધારણ છે.
દેશ દ્રોહ સમાન છે, સંવિધાન તેમને માન્ય નથી અને આઝાદીની લડાઇ પણ તેઓ સ્વીકારતા નથી. ભારતમાં તેઓ આ કહી શકે છે કે બીજા દેશમાં હોત તો તેમની ધરપકડ કરવામાં આવી હોત અને કેસ ચાલ્યો હોત.
તેઓ એવું કહેવું માંગે છે કે 1947માં આઝાદી મળી નથી તે દેશના દરેક લોકોનું અપમાન છે. આપણે હવે સમય આવી ગયો છે કે તેમનો બકવાસ સાંભળવાનું બંધ કરી દેવું જોઇએ. કારણ કે લોકો વિચારે છે કે તે ફકત બોલતા રહેશે અને ચીલ્લાતા રહેશે.