Jaunpur,તા.03
ઉત્તર પ્રદેશના જોનપુરમાંથી એક કાળજું કંપાવનારો મામલો સામે આવ્યો છે. યોગી રાજમાં ધોળા દિવસે એક ભાજપના નેતાની સગીર દીકરીનું બદમાશોએ અપહરણ કરી લીધુ છે. અપહરણના 8 કલાક બાદ બદમાશોએ સગીરને વારાણસીના ચોલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તરાવં ગામમાં રસ્તા કિનારે ફેંકી દીધી હતી. હાલમાં પોલીસ બદમાશોની તલાશ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જોનપુરના જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારના મઠિયા ગામથી 4 માસ્ક પહેરેલા બદમાશો સ્કૂલ જઈ રહેલી ભાજપના નેતાની દીકરીને ઉપાડી ગયા હતા. અપહરણના 8 કલાક બાદ બદમાશો સગીર દીકરીને ઘાયલ અવસ્થામાં વારાણસીના ચોલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તરાવં ગામમાં રસ્તા કિનારે ફેંકી ફરાર થઈ ગયા હતા. હાલમાં જલાલપોર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે કે, આ અપહરણ કોણે કર્યું અને શા માટે કર્યું ?
આખા પરિવારને મારી નાખવાની ધમકી
જલાલપોર પોલીસ સગીરને લઈને હોસ્પિટલ પહોંચી અને ભાજપના નેતાને આ અંગે જાણ કરી. ડોક્ટર્સે જણાવ્યું કે, બદમાશોએ સગીર પર તેના હાથ અને ખભા સહિત ઘણી જગ્યાએ બ્લેડ વડે હુમલો કર્યો છે. તમને જણાવી દઈએ કે સગીરની માતા મહિલા મોરચાની મંડલ અધ્યક્ષ છે. તેમણે પોલીસને જણાવ્યું કે બદમાશોએ આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. સગીરે પોલીસને જણાવ્યું કે, બદમાશો તેના આખા પરિવારને ઓળખતા હતા કારણ કે તેઓ સમગ્ર પરિવારના નામ લઈ રહ્યા હતા.
અયોધ્યા ગેંગરેપ મામલે મોટી અપડેટ
બીજી તરફ અયોધ્યામાં સગીર સાથે ગેંગરેપના મામલે પોલીસે શુક્રવારે સપા નેતા સહિત બે લોકોની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે બદમાશો પીડિતા અને તેના પરિવાર પર સમાધાન માટે દબાણ કરી રહ્યા છે. જો સમાધાન નહીં કરવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા છે. આ મામલે પોલીસે સપા નેતા અને ભાદરસા નગર પંચાયતના અધ્યક્ષ મોહમ્મદ રશીદ અને જયસિંહ રાણા અને અન્ય વિરુદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.