પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળો ભારતીય સંસ્કૃતિનો મહા ઉત્સવ

Share:

પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળો દુનિયાનો સૌથી મોટો ભારતીય સંસ્કૃતિનો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે.જે દર બાર વર્ષે હરિદ્વાર,પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે.પોષી પૂર્ણિમા તા.૧૩મી જાન્યુઆરી-૨૦૨૫થી પ્રયાગરાજમાં કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ દિવસે પ્રથમ શાહી સ્નાન થશે અને મહાશિવરાત્રિના દિવસે અંતિમ શાહી સ્નાન સાથે કુંભમેળાનું સમાપન થશે.જેમાં દેશના વિવિધ રાજ્યો તથા ૧૨૩ દેશોના આશરે ૩૦ થી ૪૦ કરોડ ભક્તો શાહી સ્નાનનો લાભ લેવાના છે. આ માટે ભારતીય રેલ્વેએ ૯૯૨ ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન કરેલ છે.ત્રિવેણીસંગમની આસપાસના ચાર હજાર હેક્ટર વિસ્તારમાં કુંભમેળા સંબંધી વ્યવસ્થા કરવામાં આવી છે તથા ૮૫૦ હેક્ટર વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.મહાકુંભ મેળામાં સુરક્ષા માટે પચાસ હજાર પોલીસ કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

જો તમે પરીવાર સહિત ગંગાસ્નાન માટે જઇ રહ્યા હો તો સાધુ-સંતોના સ્નાન પછી જ ગંગા સ્નાન કરવું જોઇએ.ગંગામાં સ્નાન કરતી વખતે “ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી,નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિં સન્નિધિમ કુરુ” મંત્રનો જાપ કરવો જોઈએ.કુંભમેળાના દરેક પ્રકાર જેવા કે અર્ધકુંભ,કુંભ,પૂર્ણકુંભ અને મહાકુંભ હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના માટે અત્યંત મહત્વપૂર્ણ છે.આ આયોજનોની પાછળ પૌરાણિક અને જ્યોતિષીય માન્યતાઓ છે,જે તેની વિશેષતાને વધારે છે.મહાકુંભ મેળાનું આયોજન ફક્ત પ્રયાગરાજમાં જ થાય છે.દર ત્રણ વર્ષે એકવાર ઉજ્જૈન,પ્રયાગરાજ,હરિદ્વાર અને નાસિકમાં કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.પ્રયાગરાજ અને હરિદ્વારમાં દર છ વર્ષે અર્ધકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.બાર કુંભમેળા પૂર્ણ થતાં એક મહાકુંભ મેળાનું પ્રયાગરાજ ખાતે આયોજન કરવામાં આવે છે.આ અગાઉ ૨૦૧૩માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થયું હતું.

સને-૨૦૨૫નો મહાકુંભ આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર હશે અને ભારતીય સાંસ્કૃતિક ધરોહરનું ભવ્ય પ્રદર્શન હશે.પ્રયાગરાજના તટ ઉપર ગંગા-યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીઓ મળે છે અને આ સંગમ તટ ઉપર સ્નાન કરવાથી તમામ દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે,મોક્ષની પ્રાપ્તિ થાય છે.કુંભમેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ હોય છે.ચાલુ વર્ષે પ્રથમ શાહી સ્નાનની તક નાગા સાધુઓને મળશે કેમકે નાગા સાધુઓને હિંદુધર્મના સેનાપતિ માનવામાં આવે છે.

પ્રયાગરાજના નૈની અરેલ ઘાટ ઉપર નિર્માણ કરેલ મહાકુંભ મેળાનું જોવાલાયક સ્થળ છે-શિવાલય પાર્ક.ચૌદ કરોડના ખર્ચે અગિયાર એકરમાં ચારસો ટન લોખંડના ભંગારમાંથી એક અદભૂત તીર્થ સ્થળ તૈયાર કરેલ છે.અહી ભગવાન શિવ અને બાર જ્યોર્તિલિંગના મંદિર વિશે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે.

પૌરાણિક કથાઓ અનુસાર દેવતાઓ અને દાનવોએ ભેગા મળી સમુદ્રમંથન કર્યું ત્યારે છેલ્લે અમૃત કળશ લઇને ધન્વંતરી પ્રગટ થાય છે ત્યારે અમૃત કળશમાંથી કેટલાક છાંટા બાર જગ્યાએ પડ્યા હતા.જેમાં પ્રયાગરાજ,હરિદ્વાર,નાસિક અને ઉજ્જૈન આ ચાર પૃથ્વી ઉપરના સ્થાન ઉપર પડ્યા હતા એટલે આ ચાર સ્થાનો ઉપર કુંભમેળાઓનું આયોજન કરવામાં આવે છે.આ અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે સતત બાર દિવસ યુદ્ધ ચાલ્યું હતું.આ બાર દિવ્ય દિવસો પૃથ્વી પરના બાર વર્ષ બરાબર છે એટલે દર બાર વર્ષે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.

ખગોલીય ગણતરી અનુસાર કુંભ અને મહાકુંભનું આયોજન અનંતકાળથી થતું આવ્યું છે.વિષ્ણુ પુરાણ અનુસાર જ્યારે ગુરૂ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં હોય છે ત્યારે હરિદ્વારમાં કુંભમેળાનું આયોજન થાય છે.જ્યારે સૂર્ય અને ગુરૂ સિંહ રાશિમાં હોય છે ત્યારે નાસિકમાં કુંભમેળાનું આયોજન થાય છે.જ્યારે ગુરૂ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉજ્જૈનમાં કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.જ્યારે સૂર્ય અને ચંદ્રમા મકર રાશિમાં હોય છે ત્યારે પ્રયાગરાજમાં કુંભમેળાનું આયોજન થાય છે.

પ્રથમ શાહી સ્નાન ૧૩મી જાન્યુઆરી-૨૦૨૫ના રોજ પોષ પૂર્ણિમાના રોજ થશે,બીજું શાહી સ્નાન મકરસંક્રાંતિ,૧૪ જાન્યુઆરી-૨૦૨૫ના રોજ થશે,ત્રીજું શાહી સ્નાન ૨૯ જાન્યુઆરી-૨૦૨૫ના રોજ મૌની અમાવસ્યા પર થશે,ચોથું શાહી સ્નાન ૩ ફેબ્રુઆરી-૨૦૨૫ના રોજ વસંત પંચમીના રોજ થશે,પાંચમું શાહી સ્નાન ૧૨ ફેબ્રુઆરી-૨૦૨૫ માઘ પૂર્ણિમાના રોજ થશે,છેલ્લું શાહી સ્નાન ૨૬ ફેબ્રુઆરી-૨૦૨૫ના રોજ મહાશિવરાત્રીના રોજ થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *