Mithapur , તા. 2
મીઠાપુરમાં આવેલા નાગેશ્વર ખાતે રહેતા અને સેવાપૂજાનું કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના બલિયા જિલ્લાના વતની બચ્ચેલાલ લક્ષ્મણ ચૌધરી નામના 48 વર્ષના યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પુત્ર વિકેશ ઉર્ફે વિકી બચ્ચેલાલ ચૌધરી (ઉ.વ. 26) એ મીઠાપુર પોલીસને કરી છે.
ધમકી
દ્વારકામાં આવેલા આંબેડકર નગર વિસ્તારમાં રહેતા વંદનાબેન રામજીભાઈ પરમાર નામના 32 વર્ષના મહિલાના ઘરે આવી અને મીઠાપુરના રહીશ રાકેશ ધનાભાઈ રોશિયા અને એક અજાણી મહિલાએ ફરિયાદી વંદનાબેનના ઘરના દરવાજામાં પગથી પાટુ મારી અને ખખડાવતા વંદનાબેનના પિતાએ દરવાજો ખોલ્યો હતો અને પૂછતા આરોપીઓએ કહેલ કે “મધુબેનને કહેજો તૈયારીમાં રહે. અમે ગમે ત્યારે આવીને મર્ડર કરી નાખશું”- તે પ્રકારની ધમકી આપતા દ્વારકા પોલીસે અજાણી મહિલા સહિત બંને સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
એક્ટિવાની અડફેટે દંપતી
ભાણવડમાં આવેલી તાલુકા પંચાયત કચેરી પાસે જી.જે. 01 ઈ.બી. 7340 નંબરના મોટરસાયકલ પર બેસીને રૂપામોરા ગામથી ભાણવડ જવા માટે નીકળેલા ભરતભાઈ ગોવિંદભાઈ નકુમ નામના 33 વર્ષના સગર યુવાનના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને રોંગ સાઈડમાં આવીને જી.જે. 37 એ. 8426 નંબરના એકટીવા મોટરસાયકલ ચલાવતા એક મહિલાએ અકસ્માત સર્જ્યો હતો.
જેના કારણે મોટરસાયકલ ચાલક ભરતભાઈ તથા પાછળ બેઠેલા તેમના પત્ની અને એક વર્ષની પુત્રીને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.અકસ્માત સર્જીને એકટીવા ચાલક મહિલા પોતાનું વાહન લઈને નાસી છૂટી હોવાનું જાહેર થયું છે. જે અંગે ભાણવડ પોલીસે ભરતભાઈ ગોવિંદભાઈ નકુમની ફરિયાદ પરથી એક્ટિવા ચાલક મહિલા સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.