ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રિલીમ પરીક્ષા ૧૬ થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન લેવાશે
ગાંધીનગર,તા.૧
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સાયન્સની પ્રીલિમ પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પહેલાં ૨૦ થી ૨૮ જાન્યુઆરી દરમિયાન પ્રિલીમ પરીક્ષા યોજાવાની હતી. પરંતુ હવે આ તારીખમાં ફેરફાર કરી ૧૬ થી ૨૧ જાન્યુઆરી કરવામાં આવ્યો છે. કારણકે ૨૨ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન JEE-MAINની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પ્રિલીમ/ દ્વિતીય પરીક્ષા અને JEE-MAINની પ્રથમ તબક્કાની પરીક્ષાઓની પરસ્પર તારીખ એકસરખી હોવાથી સંદર્ભ દર્શિત કારોબારી સમિતિના ઠરાવ મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રિલીમ પરીક્ષા ૧૬ થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન લેવાશે. આ સિવાય, અન્ય ધોરણની પ્રિલીમ / દ્વિતીય પરીક્ષા બોર્ડના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં જણાવ્યા મુજબ ૨૦ થી ૨૮ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન યથાવત રહેશે. મળતી માહિતી મુજબ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ અને અમદાવાદ શહેર આચાર્ય સંઘ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને આ વિશે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં માંગ કરવામાં આવી હતી કે, NTA ની જાહેરાતમાં જણાવ્યા મુજબ, JEE-MAINની પરીક્ષાનું ૨૨ થી ૩૧ જાન્યુઆરીમાં આયોજન કરવામાં આવી હોવાથી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રિલીમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની વિનંતી કરવામાં આવી હતી.