Ahmedabad,તા.31
સમગ્ર ગુજરાત ગૌરવ લઈ શકે તેવા સમાચાર છે. દેશના 33 રાજયોના મુખ્યમંત્રીઓની સંપતિ તથા તેમની સામેના ક્રિમીનલ કેસો અંગે જે એક વિસ્તૃત માહિતી બહાર આવી છે તેમાં જેલમાં જઈ આવેલા ચંદ્રાબાબુ નાયડુ સહિતના અત્યંત ધનવાનનો પણ સમાવેશ થાય છે.
પણ ગુજરાતનું નેતૃત્વ કરી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક તરફ સંપતિની દ્રષ્ટિએ અન્ય મુખ્યમંત્રીઓ સામે ‘ગરીબ’ દેખાય તેવા 31માંથી છેક 15માં ક્રમે છે તો ક્રિમીનલ કોઈ રેકોર્ડઝ ન હોય તેવા 18 મુખ્યમંત્રીઓમાં તેમાં સ્થાન ધરાવે છે.
એસોસીએશન ઓફ ડેમોક્રેટીક રિફોર્મના આ રિપોર્ટ મુજબ દેશના મુખ્યમંત્રીઓની સરેરાશ સંપતિ રૂા.52.5 કરોડ છે. પરંતુ લાંબો સમયથી રાજકારણમાં રહેલા અને અનેક મહત્વના હોદાઓ પર રહી ચુકયા હોવા છતા તેમની સંપતિ તમામ મુખ્યમંત્રીઓની સરેરાશ કરતા અનેકગણી ઓછી છે.
દેશના તમામ મુખ્યમંત્રીમાંથી વ્યક્તિગત આવક સરેરાશ રૂા.13.6 લાખ છે. આંધ્રપ્રદેશમાં જેલમાં જઈ આવેલા પણ હવે એનડીએ સરકારને ટેકો આપીને સલામત બની ગયેલા મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને અરુણાચલમાં મુખ્યમંત્રીપદે એકચક્રી શાસન સંભાળનાર પેમા ખોડુની સંપતિ રૂા.300 કરોડથી વધુ છે. ચંદ્રાબાબુની સંપતિ રૂા.971 કરોડ છે જયારે ખોડુની સંપતિ 332 કરોડની છે.
સૌથી ગરીબ મુખ્યમંત્રી મમતા બેનરજી છે. જેની કુલ સંપતિ રૂા.15 લાખની છે. ત્યારબાદ ઓમાર અબ્દુલ્લાની સંપતિ રૂા.55 લાખની છે અને કેરળના મુખ્યમંત્રી વી.વિજયનની સંપતિ રૂા.1.18 કરોડની છે જેની સામે આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સંપતિ રૂા.8.82 કરોડની છે અને રૂા.1.50 કરોડનું ‘દેવુ’ છે અને તેઓએ પોતાની આવક રૂા.16.7 લાખની દર્શાવી છે.
ખુદને સામાજીક કાર્યકર્તા તરીકે ગણાવ્યા છે. 60 વર્ષથી ઉપરના શ્રી પટેલ એવા 12 મુખ્યમંત્રીઓમાં આવે છે જે 51થી60 વર્ષના છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિષી સૌથી યુવા સીએમ છે જે 38 વર્ષના જ છે અને કેરળના મુખ્યમંત્રી વી.વિજયન સૌથી વૃદ્ધ 77 વર્ષના છે.
શ્રી ભુપેન્દ્ર પટેલ એક જ એવા મુખ્યમંત્રી છે જે ડિપ્લોમા હોલ્ડર છે અને બે મુખ્યમંત્રીઓ ડોકટરેટની ડિગ્રી ધરાવે છે. નવ પોષ્ટ ગ્રેજયુએટ, પાંચ ગ્રેજયુએટ સાથે પ્રોફેશનલ ડિગ્રી ધરાવે છે અને 10 એ ગ્રેજયુએટ છે.
સૌથી દેવાદાર મુખ્યમંત્રીમાં અરુણાચલના ખોડુ પર રૂા.180 કરોડનુ દેવુ છે તો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયા પર રૂા.23 કરોડનું દેવુ છે. 23 મુખ્યમંત્રીઓ સામે કોઈને કોઈ ક્રિમીનલ રેકોર્ડ છે. 10 સામે હત્યાના પ્રયાસ, અપહરણ, લાંચ લેવા અને અપરાધીક ધમકીના કેસ પણ છે.