Dubai,તા.31
ભારતનાં ટોચનાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યો છે.
સોમવારે જારી કરવામાં આવેલી આ યાદીમાં ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટ અને હેરી બ્રુકની સાથે શ્રીલંકાનાં કામિન્દુ મેન્ડિસ પણ આ એવોર્ડના દાવેદાર છે.
આઇસીસીએ નવ કેટેગરીમાં એવોર્ડ માટે દાવેદારોની યાદી આપી છે.
શ્રેષ્ઠ પ્રદર્શન
બુમરાહ 2024 માં ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો છે. તેણે 13 મેચમાં 14.92 ની એવરેજ અને 30.16 ના સ્ટ્રાઈક રેટથી 71 વિકેટ લીધી છે, જે પરંપરાગત ફોર્મેટમાં કોઈપણ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ જમણા હાથના પેસરે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ચાર ટેસ્ટમાં 30 વિકેટ સાથે શ્રેણીનો સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો છે.
આઈસીસીએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે, 2023માં પીઠની ઈજામાંથી સાજા થયાં બાદ ટેસ્ટમાં વાપસી કરનાર બુમરાહ 2024 માં વર્ચસ્વ ધરાવે છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં ઝડપી બોલરો માટે અનુકૂળ પરિસ્થિતિઓ હોય કે ઘરઆંગણે ફાસ્ટ બોલરો માટે કઠિન પરિસ્થિતિઓ હોય, બુમરાહ આખા વર્ષ દરમિયાન પ્રભાવશાળી રહ્યો છે. આ ફાસ્ટ બોલરે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.
મહિલા વર્ગમાં કોઈ ભારતીય ક્રિકેટર રેસમાં નથી
સોમવારે જાહેર કરાયેલ આઇસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત ખેલાડીઓની યાદીમાં કોઈ ભારતીય નથી. આ યાદીમાં શ્રીલંકાનાં કેપ્ટન ચમરી અટાપટ્ટુ અને ન્યુઝીલેન્ડની એમેલિયા કેર સાથે ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલવાર્ટનું નામ સામેલ છે.