Mount Abu, તા.30
પશ્ચિમ ભારતના એકમાત્ર હિલ સ્ટેશન અને રાજસ્થાનના કાશમીર ગણાતા માઉન્ટ આબુમાં એક જ દિવસમાં આઠ ડિગ્રી તાપમાનનો પારો ગગડતાં રવિવારે માઈનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જ્યારે ગુરુશીખર પર લઘુતમ તાપમાન માઇનસ છ ડિગ્રી નોંધાયું હતું. ઠંડીનો પારો ગગડતાં માઉન્ટ આબુના વિવિધ મેદાની સ્થળોએ બરફની ચાદર છવાઈ ગઈ હતી.
થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા મોટી સંખ્યામાં પર્યટકો માઉન્ટ આબુ ઉમટી રહ્યા છે, ત્યારે તાપમાનનો પારો ગગડતાં અહીં આવેલા સહેલાણીઓ પણ આ ફુલગુલાબી ઠંડીની મજા માણી રહ્યા છે.
માઉન્ટ આબુમાં છેલ્લા 7 દિવસના લઘુતમ તાપમાનની વાત કરીએ તો સોમવારે તાપમાન 5 ડિગ્રી પર રહ્યું હતું, જ્યારે મંગળવારે અને બુધવારે તાપમાન શૂન્ય ડિગ્રી રહ્યું હતું. પરંતુ 26 અને 27ડિસેમ્બરમે ત્રણ ડિગ્રી જ્યારે શનિવારે ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ હોવાના કારણે તાપમાન પ્લસમાં નોંધાયું હતું પરંતુ વાદળો વિખેરાતાં રવિવારે તાપમાનમાં એક જ દિવસમાં આઠ ડિગ્રી ઘટાડો થતાં રવિવારે માઇનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
દરમિયાન થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં અહીં એક લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી આવનારા વર્ષને વધાવવા માટે પહોંચી રહ્યા છે જ્યારે માઉન્ટ આબુની હોટેલોને પણ પર્યટકો માટે સજાવાઈ રહી છે.