રંગો વિનાના જીવનની કલ્પના પણ થઈ શકે ખરી? વિવિધ જાતના રંગોથી આપણું જીવન પણ રંગીન બની જાય. પરંતુ દરેક રંગની ચોક્કસ ખાસિયત હોય છે. અને ગમે તે પ્રસંગે ગમે તે કલરના કપડાં નથી પહેરી શકતા. તમે વિવાહ પ્રસંગે સાદા શ્વેત વસ્ત્રો ન પહેરી શકો. તેવી જ રીતે કોઈની પ્રાર્થના સભામાં રાતા રંગના વસ્ત્રો ન પહેરાય. કયા પ્રસંગે કેવા કલરનો પોશાક પહેરવો તેની કોઠાસૂઝ દરેક વ્યક્તિમાં હોવી જ જોઈએ. આમ છતાં ક્યારે કેવા કલરના વસ્ત્રો ધારણ કરવા તેના વિશેની માહિતી આપતાં નિષ્ણાતો કહે છે…
સોનેરી : ગોલ્ડન કલર સામાન્ય રીતે વિવાહ કે પૂજા જેવા પ્રસંગે પહેરવામાં આવે છે. જોકે હવે આ કલર પાર્ટી પ્રેમીઓમાં પણ પ્રિય થઈ પડયો છે. કેઝ્યુઅલવેર તરીકે તેને હળવા કલર સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરવામાં આવે છે. જ્યારે પાર્ટીમાં તે મેટાલિક કલર તરીકે ફેવરિટ છે. લગ્ન કે પૂજા જેવા પ્રસંગે ગોલ્ડન કલરને રાતા, જાંબુડી, ગ્રીન, આછા-ઘેરા ગુલાબી, નારંગી જેવા વિવિધ રંગો સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરવામાં આવે છે.
ઓરેંજ : ઘેરો નારંગી રંગ આંખોને ખટકે છે. પરંતુ અન્ય કલરના પોત પર ઓરેન્જ કલરની પ્રિન્ટ સુંદર લાગે છે. કેઝ્યુઅલવેરમાં શ્વેત-શ્યામ રંગ સાથે તેને મિક્સ એન્ડ મેચ કરી શકાય. જ્યારે નેટ કે શિફોન ફેબ્રિકની ભારે સાડી અથવા પંજાબી સ્યુટમાં ઓરેન્જ સાથે મજન્ડા કલરનું કોમ્બિનેશન બ્રાઈટ લુક આપશે. કેઝ્યુઅલવેરમાં ઓરેન્જ કલરની હળવી પ્રિન્ટ કે એમ્બ્રોઈડરી વધુ સારી લાગશે.
પર્પલ : જાંબુડી અથવા રીંગણી કલર બધી માનુનીઓ પર નથી શોભતું. તેથી આ કલરની સાડી અથવા ડ્રેસ ખરીદવાથી પહેલા તે તમને શોભે છે કે નહીં તે ચકાસી લો. પર્પલ કલર પર સફેદ ડોટ્સ અથવા પ્રિન્ટ સરસ લાગે છે.
યેલો : આ કલરને ફેશન ડિઝાઈનરો ‘બોલ્ડ’ અને ‘સ્વીટ’ તરીકે ઓળખે છે. પીળા કલરને લીલા, આછા-ઘેરા ગુલાબી, જાંબુડી જેવા રંગો સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકાય. ઘેરા પીળા રંગના પોત પર અન્ય રંગની પ્રિન્ટ અથવા એમ્બ્રોઈડરી કેઝ્યુઅલવેર તરીકે સરસ લાગે છે. ગ્રીષ્મ ઋતુમાં લાઈટ યેલો કલર સોબર લુક આપે છે. છેલ્લા થોડા સમયથી પીળા, લીલા, લાલ, ઘેરા ગુલાબી, શાહી જેવા બ્લુ કલરની જીન્સ પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો તમે યેલો કલરની જીન્સ પહેરો તો તેના ઉપર લીલા અથવા ગુલાબી રંગનું ટોપ સુંદર લાગશે.
પિંક : પિંકના મોટાભાગના શેડ એકદમ લોકપ્રિય છે.ચાહે તે લવલી પિંક હોય કે પછી બેબી પિંક, ફૂશિયા પિંક, શોકિંગ પિંક કે ઓનિયન પિંક. ગુલાબી રંગના મોટાભાગના શેડ બ્રાઈટ કલર સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકાય. સોબર લુક માટે આ રંગને ગ્રે કલર સાથે પહેરી શકાય. જેમ કે ગ્રે કલરની જીન્સ ઉપર હળવા ગુલાબી કલરનું ટોપ કેઝ્યુઅલવેરમાં બેસ્ટ ગણાશે. જ્યારે પ્રસંગોપાત પહેરવા માટે પિંકના કોઈપણ શેડની સિલ્કની સાડી જાજરમાન લાગશે. હા, જો તમે કોઈની નજરમાં આવવા ન માગતા હો તો આ કલર પહેરવાનું ટાળો.
ગ્રીન : ગ્રીનને સદાબહાર કલર કહેવાય છે. કારણ કે તેનાથી આંખોને ટાઢક પહોંચે છે. શુભ પ્રસંગે લીલા કલરને લાલ સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરવું શુકનિયાળ ગણાય છે. લીલા રંગના બોટલ ગ્રીન, ફ્લોરોસંટ ગ્રીન, લીફ ગ્રીન, પેરટ ગ્રીન જેવા વિવિધ શેડ દરેક પ્રસંગે કે પાર્ટીમાં શોભી ઉઠે છે.
બ્લુ : ભૂરા રંગના વસ્ત્રો પણ વિવાહાદિ પ્રસંગે તેમ જ કેઝ્યુઅલવેર તરીકે પહેરી શકાય. ભૂરા રંગના ઘેરા-હળવા શેડને ગુલાબી કે લીલા કલર સાથે મિક્સ એન્ડ મેચ કરીને બ્રાઈડલ લહંગા કે ભારે સાડી ડિઝાઈન કરવાનું ચલણ સામાન્ય છે. સ્થૂળકાય માનુની થોડી પાતળી દેખાય એટલા માટે બ્લુ સાથે બ્લેકનું કોમ્બિનેશન કરીને ડ્રેસ ડિઝાઈન કરવામાં આવે છે. હા, એકદમ આછો ભૂરો, એટલે કે આસમાની રંગ ઉદાસીનું પ્રતિક છે. તેથી ઘણી સ્ત્રીઓ પ્રાર્થના સભામાં વાદળી કલરની સાડી પહેરે છે.
હ રેડ : ભારતીય લાલ રંગને હમેશાંથી શુકનિયાળ માનવામાં આવ્યો છે. તેથી શુભ પ્રસંગે રાતા રંગના પોશાક પહેરવાનું ચલણ સામાન્ય છે. પરંતુ રોજિંદા વસ્ત્રોમાં રેડ કલરને બ્લેક, વાઈટ કે ગ્રીન સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરો. જ્યારે પાર્ટીવેર તરીકે રેડ કલર સાથે ગ્રીન, બ્લુ, ગોલ્ડન જેવા બ્રાઈડ કલર ઝળહળી ઉઠશે. જે યુવતીઓના પગ પાતળા હોય તે ચાહે તો રાતા રંગની જીન્સ કે કોડરોય પેન્ટ પહેરી શકે. પણ જેના પગ ભરાવદાર હોય તેમણે લાલ કલરની બોટમ પહેરવાનું ટાળવું. જો પહેરે તોય તેના ઉપર લાંબી કુરતી પહેરવી.
સિલ્વર : ગ્રે કલરના વસ્ત્રો બહુ ઓછા લોકોને શોભે છે. વળી ભારતીયોની ત્વચાનો વર્ણ એવો હોય છે કે તેની ઉપર રાખોડી રંગ નથી જચતો. પરંતુ ગ્રે કલરનું જેકેટ, સ્વેટર સરસ દેખાય છે. આવા કલરની જીન્સ પણ સુંદર લાગે છે. પરંતુ જો પાર્ટીમાં આ કલરનો પોશાક પહેરવો હોય તો તેની સાથે બ્લેક ફેબ્રિકનું કોમ્બિનેશન એકદમ આકર્ષક લાગશે. વળી જો તેના ઉપર સિકવન્સ વર્ક કરાવવામાં આવે તો તે ઊડીને આંખે વળગે છે.
રંગો વિશે આટલી માહિતી આપ્યાં પછી નિષ્ણાતો વિશેષ જાણકારી આપતાં કહે છે કે જો તમે જોબ ઈન્ટરવ્યુ માટે જતા હો અને ફોર્મલ ડ્રેસ, એટલે કે બ્લેઝર અને ટ્રાઉઝર પહેરવાના હો તો નેવી બ્લુ, બ્રાઉન, બ્લેક, મરૂન કલર યોગ્ય ગણાશે. આ બધા કલર સાથે ક્રીમ રંગનું શર્ટ ચાલી શકે. જોકે ઈન્ટરવ્યુ આપવા જતી વખતે રાતો, લીલો, પીળો, નારંગી કે અન્ય આંખે ઉડીને વળગે એવો રંગ પહેરવાનું ટાળો.