Sarees And Skin Cancer ના સંબંધની સમજણ

Share:

જે સમાજમાં સાંસ્કૃતિક પોષાક ઓળખ, લાવણ્ય, શાલીનતા અને પરંપરાનું પ્રતીક ગણાય છે ત્યાં સાડી ભારતીય નારીત્વની ઓળખ બની ગઈ છે. જો કે તાજેતરના મેડિકલ રિસર્ચ આ આઈકોનિક પહેરવેશ સંબંધિત આંચકાજનક નકારાત્મક માહિતી ઉજાગર થઈ છે. જે પ્રમાણે સાડી પહેરવામાં આવે છે તેના કારણે નોંધપાત્ર સંખ્યામાં ભારતીય મહિલાઓ અજાણતા જ ત્વચાના કેન્સરના જોખમ તળે આવી ગઈ છે. સાડીનો પેટીકોટ સામાન્યપણે કમર ફરતે કસીને બાંધવામાં આવતો હોવાની પદ્ધતિથી આ સમસ્યા ઉદ્ભવી છે. આથી મહિલાઓમાં  તેમનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખવા તાત્કાલિક ધોરણે જાગૃકતા ઊભી કરવા અને રક્ષણાત્મક પગલા લેવાની જરૂર ઊભી થઈ છે.

સાડી અને ત્વચા કેન્સરના સંબંધની સમજણ

પહેલી નજરે સાડી અને ત્વચા કેન્સર વચ્ચેનો સંબંધ અવિશ્વસનીય લાગે છે. જો કે બીએમજી કેસ અહેવાલ જેવા પ્રતિષ્ઠિત પ્રકાશનોમાં અહેવાલો દ્વારા સમર્થિત આ માહિતી ચોંકાવનારું સત્ય ઉજાગર કરે છે. સામાન્યપણે કમરમાં એક જ જગ્યાએ પેટીકોટની નાડીઓ કસીને બાંધવામાં આવતી હોવાથી ત્વચા પર લાંબો સમય સતત દબાણ અને ઘર્ષણ ઉત્પન્ન થાય છે. સમયાંતરે, વારંવાર થતી દાહ અને બળતરા પિગમેન્ટેશનમાં ફેરફાર, ત્વચા પાતળી થવી અને ચાંદા સહિત ત્વચાની સમસ્યા સર્જે છે. ગંભીર કેસોમાં આ જખમો સ્ક્વોમસ સેલ કાર્સિનોમા નામના એક પ્રકારના કેન્સરમાં પરિવર્તિત થાય છે. 

આ સ્થિતિને બોલચાલની ભાષામાં તેના મૂળને પ્રતિબિંબિત કરીને સાડી કેન્સર અથવા પેટીકોટ કેન્સર તરીકે ઓળખવામાં આવે છે. આરોગ્ય સેવા જ્યાં અત્યંત સીમિત અથવા નહિવત છે તેવા વિસ્તારમાં ગ્રામીણ મહિલાઓમાં ઘણીવાર એના લક્ષણો ઓળખાતા નથી અથવા તો પૂરતી સમયસરની સારવાર નથી મળતી. કમનસીબે જ્યારે તબીબી સલાહ અને સહાય મેળવવામાં આવે છે ત્યાં સુધીમાં આ સ્થિતિ કેન્સરમાં પરિવર્તિત થઈ ગઈ હોય છે.

વાસ્તવિક કેસો : અવગણનાની માનવીય કિંમત

તાજેતરમાં મેડિકલ સાહિત્યમાં પ્રકાશિત થયેલા બે કિસ્સાએ આ સ્થિતિની ગંભીરતા પર પ્રકાશ પાડયો છે.

* પ્રથમ કિસ્સામાં ૭૦ વર્ષની એક મહિલાને પેટીકોટને કારણે દાયકાઓ પછી કમરની જમણી બાજુએ અલ્સર થયું. ત્વચા રંગહિન થવા સાથે વર્ષો સુધી થયેલું અલ્સર આખરે કેન્સરમાં પરિણમ્યું.

* અન્ય એક કિસ્સામાં પરંપરાગત રીતે સાડી પહેરતી ૬૦ વર્ષની મહિલાને પણ સતત દબાણ અને બળતરાને કારણે આવુ જ અલ્સર થયું હતું જે લીમ્ફ નોડ્સ સુધી ફેલાઈ જતા આવી સ્થિતિની સારવાર ન કરવામાં આવે તો કેવી ઉગ્ર બને છે તે સાબિત થયું.

બંને કિસ્સામાં બળતરા, રંગમાં ફેરફાર અને ત્વચા ઉખડી જવાના આગોતરા લક્ષણોની લાંબો સમય અવગણના કરવાથી ઊભા થતા ગંભીર પરિણામ ઉજાગર થાય છે.

સાડી સિવાયના પણ કારણો

આવી સ્થિતિ માટે સાડીનું પરિધાન ભલે મુખ્ય કારણ હોય, પણ ચુડીદાર અને ધોતી જેવા પરંપરાગત પોષાક પણ આવા જ જોખમો સર્જે છે. કસીને ધોતી પહેરનારા પુરુષો પર પણ આવું જ જોખમ તોળાય છે જે દર્શાવે છે કે આ સમસ્યા માત્ર મહિલા સુધી જ સીમિત નથી. જો કે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ ગરમી, ભેજ, પસીનો અને સમયસર તબીબી સહાયના અભાવે વધુ જોખમ હેઠળ હોય છે.

ચેતવણી આપતા પ્રારંભિક લક્ષણો

બળતરાથી કેન્સર તરફની ગતિ ધીમી હોવાથી વહેલું નિદાન મહત્વનું છે. મહિલાઓએ નીચે જણાવેલી બાબતો વિશે સતર્ક રહેવું જોઈએ:

૧. કમર ફરતેની ત્વચા કાળી પડી જાય તો તુરંત ચેતી જવું

૨. અસરગ્રસ્ત ભાગમાં ત્વચા ખરબચડી થાય, ઉખડી જાય ત્યારે તુરંત ડોક્ટરની સલાહ લેવી.

૩. કમર પર વારંવાર અલ્સર થવા અને સારવાર કરવા છતાં રૂઝ ન આવે ત્યારે ચેતી જવું.

આવા લક્ષણો ક્રોનિક અલ્સરો તરફ દોરી જાય છે જે કેન્સર પૂર્વેની સ્થિતિ ગણાતા માર્જોલિન અલ્સરમાં પરિવર્તિત થાય છે.

સાડી અથવા પેટીકોટ કેન્સરના મૂળ કારણો :

મેડિકલ નિષ્ણાંતોએ આ સ્થિતિ માટે જવાબદાર કેટલાક મહત્વના પરિબળો ઓળખી કાઢ્યા છે.

૧. સતત ઘર્ષણ : કસીને બાંધેલી પેટીકોટની નાડી એક જ ભાગમાં સતત ઘર્ષણ કરતી હોવાથી ત્યાં તીવ્ર બળતરા અથવા ખંજવાળ ઉત્પન્ન થાય છે.

૨. દબાણ અનુભવતો ભાગ : એક જ જગ્યાએ કમર પર બાંધવામાં આવતી નાડી ઉપરાંત સાડીની પ્લીટ ત્વચા પર દબાણ સર્જે છે.

૩. સ્વચ્છતાની સમસ્યા : ત્વચા પર પસીનો, ધૂળ અને ભેજ જમા થવાથી બળતરા અથવા ખંજવાળ ઉત્પન્ન થાય છે. ખાસ કરીને ભારત જેવી આબોહવા ધરાવતા દેશમાં આવું વધુ બને છે.

૪. સૂર્ય પ્રકાશનો અભાવ : વિશિષ્ટ કહી શકાય એવી બાબતમાં સાડીથી ઢંકાયેલા કમરના ભાગને સૂર્યનો તડકો ન મળતો હોવાથી ત્વચાની કુદરતી પ્રતિકાર શક્તિ ઘટી જાય છે.

રક્ષણાત્મક પગલા : પરંપરાનો ત્યાગ કર્યા વિના આરોગ્યની સંભાળ

જોખમ ગંભીર હોવા છતાં સામાન્ય રક્ષણાત્મક પગલા લેવાથી સાડી કેન્સરની સમસ્યા નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકાય છે.

૧. પેટીકોટ વધુ કઠણ બાંધવાનું ટાળવું અને ગાંઠ ત્વચામાં વધુ ઊંડે સુધી ખૂંપે નહિ તેનું ધ્યાન રાખવું.

૨. પહોળા ઈલાસ્ટીક અથવા કપડાના વેસ્ટબેન્ડ હોય તેવા પેટીકોટ પસંદ કરવા. તેનાથી દબાણ વધુ ભાગમાં સમાન રીતે વહેંચાઈ જશે.

૩. કમરનો ભાગ સ્વચ્છ રાખવો જેથી પસીનો અને ધૂળ જમા ન થાય. નિયમિત સફાઈ રાખવાથી બળતરા અથવા ખંજવાળની સમસ્યા નિવારી શકાશે જે આ સમસ્યાના પ્રથમ લક્ષણ છે.

૩. પેટીકોટ કમર પર એક જ જગ્યાએ બાંધવાનું ટાળવું જેથી એક જ જગ્યાએ દબાણ નહિ સર્જાય.

૫. બળતરા, ખંજવાળ, રંગમાં ફેરફાર, ત્વચા ઉખડી જવી જેવી સમસ્યા જણાતા જ તુરંત નિષ્ણાંતની સલાહ લઈને સારવાર શરૂ કરવી. સમયસરના પગલાથી આગળ ઉત્પન્ન થતી ગંભીર સમસ્યા નિવારી શકાશે.

મહિલાઓમાં જાગૃકતા

સાડી કેન્સર અથવા પેટીકોટ કેન્સર માત્ર મેડિકલ સ્થિતિ નથી, પણ કેવી રીતે અવગણના સાથે પાળવામાં આવતા સાંસ્કૃતિક ધોરણો મહિલાઓના આરોગ્યને જોખમમાં મુકે છે તેનું પ્રતિબિંબ છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની મહિલાઓને પ્રારંભિક લક્ષણો અને સમયસરની સારવાર વિશે માહિતગાર કરવી જરૂરી છે. જાહેર આરોગ્ય અભિયાનો, સામુહિક શિક્ષણ અને સ્થાનિક આરોગ્ય પ્રદાતાઓ સાથે સહયોગ મહત્વની જાગૃતિ ફેલાવવમાં મદદગાર સાબિત થઈ શકે.

વધુમાં અજાણતા આવા આરોગ્યના જોખમો સર્જતા સામાજિક ધોરણોને પડકારવા પણ જરૂરી છે. કમર પર પરંપરાગત નાડીના ઈલાસ્ટીક પટ્ટા અથવા સવગડદાયક નાડી જેવા આધુનિક વિકલ્પોના ઉપયોગને પ્રોત્સાહન આપવાથી મહિલાઓ તેમની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવાની સાથે તેમની સુખાકારી પણ જાળવી શકશે.

તાત્કાલિક પગલાની જરૂર

શાલીનતા અને ધરોહરનું પ્રતીક સાડી મહિલાના આરોગ્યની કિંમતે ન હોવી જોઈએ. સાડી કેન્સર દૈનિક પ્રથાઓમાં સામેલ ગુપ્ત જોખમ છે અને આ સમસ્યાનો ઉકેલ વ્યક્તિઓ, સમુદાયો તેમજ આરોગ્ય યંત્રણાના સંયુક્ત પ્રયાસો માગી લે છે. રક્ષણાત્મક પગલાને પ્રાથમિકતા આપવાથી અગણિત મહિલાઓને ટાળી શકાય તેવા જોખમથી બચાવી શકાય છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *