Kerala,તા.01
કુદરત રૂઠે ત્યારે કોઈને ના છોડે. વાયનાડમાં ભૂસ્ખલને ભારે તારાજી સર્જી તો ગઈકાલે રાત્રે ઉત્તરાખંડમાં વાદળ ફાટતા સ્થિતિ વધુ વિકટ બની રહી છે. વાયનાડ ભૂસ્ખલનમાં હજી અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ છે. ધરાશાયી થયેલા મકાનોનો કાટમાળ, જમીન પર મોટી-મોટી તિરાડો, પાણી જમીન પર રખડતી હાલતમાં પડેલા શબ, વાયનાડની ત્રાસદીનો આભાસ કરાવે છે. બે દિવસથી સેના અને એનડીઆરએફના જવાનો વરસાદથી તબાહ થયેલી ગામોમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ વરસાદને કારણે રાહત કાર્ય પણ કપરૂં બની રહ્યું છે. વાયનાડના ચેલ્લિયાર નદીના કેચમેન્ટમાં આવેલા 4 સુંદર ગામો, ચુરલમાલા, અટ્ટમાલા, નૂલપુઝા અને મુંડક્કઈ (Mundakai) ભૂસ્ખલન પછી નામશેષ થઈ ગયા છે.
વાયનાડમાં માનવકૃત કુદરતસર્જિત આ વિનાશમાં અત્યાર સુધીમાં 256 લોકોના મોત થયા છે અને લગભગ 170 લોકો હજુ પણ લાપતા છે. તેમાંથી મુંડક્કઈ ગામ તો જાણે સંપૂર્ણ રીતે ભૂતિયા ગામ બની ગયું છે. 30 જુલાઈની આ હોનારતમાં હજુ પણ કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. 1200 બચાવકર્મીઓ અહીં બચાવ કાર્ય ચલાવી રહ્યા છે. માટી અને ખડક-પહાડોની વચ્ચે ભારે મુશ્કેલી સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મેપ્પડીની ટેકરી પર છે મુંડક્કઇ :
મુંડક્કઇ ગામ વાયનાડ જિલ્લાના વૈથિરી તાલુકામાં મેપ્પડી ગ્રામ પંચાયતમાં સ્થિત એક ટેકરી પર આવેલું છે. મેપ્પડીથી મુંડકાઈ લગભગ 15 કિમી અને ચુરલમાલાથી લગભગ 5 કિમી દૂર આવેલું છે. સીતામકુંડ ધોધ અહીં આવેલો છે. ઇરુવજંજીપુઝા નદી પણ અહીંથી વહે છે.
રસ્તાઓ અને કોંક્રીટના મકાનો, દુકાનો સહિતની મોટાભાગની જરૂરી સુવિધાઓ આ ગામમાં હતી પરંતુ જંગી ભૂસ્ખલને ભારે વિનાશ વેતર્યો છે. અહીંથી લગભગ 6.5 કિલોમીટર દૂર ચુરમાના નામનું એક પ્રવાસીઓનું પ્રખ્યાત પર્યટન સ્થળ છે. ત્યાં સુચીપારા અને વેલ્લોલીપારા નામના આકર્ષક ધોધ આવેલા છે અને તે રજાઓ માટેનું બેસ્ટ સ્પોટ માનવામાં આવતું હતુ.
500માંથી માત્ર 34 મકાનો બચ્યા !
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મુંડકાઈમાં લગભગ 450-500 ઘર હતા, પરંતુ હવે આ વિસ્તારમાં માત્ર 34 થી 40 મકાનો જ બચ્યા છે. 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલન પછી માટી, પાણી અને વિશાળ ખડકો પર્વતો પરથી નીચે વહેતા ગયા અને મુંડક્કઇને જ કાટમાળમાં ફેરવી દીધું. આ દુર્ઘટનામાં ગામના મોટાભાગના ઘરોને ભારે નુકસાન થયું છે.
મુંડક્કઇમાં આર્મી, નેવી અને એરફોર્સ મોટા પાયે બચાવ કાર્ય ચલાવી રહ્યા છે. આજે વાતાવરણ સામાન્ય સુધરતા એર સપોર્ટ આજે શક્ય બન્યો છે. હજી પણ કાટમાળના ઢગલામાંથી એક પછી એક મૃતદેહો શોધવાની પ્રક્રિયા ચાલુ છે. અનેક લોકો રાહત શિબિરોમાં દિવસો વિતાવવા મજબૂર બન્યા છે.