ઇન્ડસ્ટ્રીમાં જેટલો પ્રેમ મળી રહ્યો છે એટલો જ પ્રેમ વિક્કીના પરિવાર તરફથી પણ મળી રહ્યો છે
Mumbai, તા.૨૫
કેટરિનાના કાળા સુંદર વાળનું શ્રેય તેના સાસુ અને વિક્કી કૌશલના માતા વીણા કૌશલને જાય છે. તાજેતરમાં કેટરિનાએ આ અંગે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. કેટરિના છેલ્લા ૨૦ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે અને તેણે પોતાની મહેનતના જોરે પોતાનું સ્થાન બનાવ્યું છે. તેને ઇન્ડસ્ટ્રીમાં જેટલો પ્રેમ મળી રહ્યો છે એટલો જ પ્રેમ વિક્કીના પરિવાર તરફથી પણ મળી રહ્યો છે. તે ઘરમાં બધાં પ્રેમથી કિટ્ટો કહીને બોલાવે છે.૨૦૧૯માં કેટરિનાએ પોતાની કોસ્મેટિકર બ્રાન્ડ પણ શરૂ કરી છે અને તેથી ઘણા લોકો એવું માનતા હશે કે તે પોતે પણ આ પ્રકારના કોસ્મેટિકના ઉપયોગથી સુંદર દેખાય છે. આ વાત અમુક અંશે સાચી પણ હશે. પરંતુ તેના સુંદર કાળા વાળનું શ્રેય કેટરિના તેના સાસુ વીણા કૌશલને આપે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કેટરિનાએ કહ્યું કે તેને બહાર ન જવાનું હોય અને ઘરમાં જ હોય તો એ મેકઅપ લગાવતી નથી. જો બહાર જવાનું થાય તો પણ તેને હળવો અને ઓછો મેક અપ કરવો જ ગમે છે. જ્યારે તેના વાળનું ધ્યાન તેના સાસુ રાખે છે. કેટરિનાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું, “મને મારી ત્વચાની કાળજી રાખવી બહુ ગમે છે, કારણ કે મારી ત્વચા બહુ જ સંવેદનશીલ છે. મને રોજની કાળજી રાખવામાં મજા આવે છે. જમેકે મને ગ્વા શા ગમે છે, મને ખબર છે હું મોડી છું થોડી પણ મેં હમણા જ એનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે અને મને એ બહુ ગમે છે. મારા સાસુ મારા માટે ઘરે ડુંગળી, આમળા, એવોકાડો અને બીજી બે-ત્રણ વસ્તુઓ નાખીને એક તેલ બનાવે છે. ઘરે કરેલા ઉપચાર સૌથી સારી અસર કરે છે.”જ્યારે આ ઇન્ટરવ્યૂમાં પોતાના અને વિક્કીના સંબંધો વિશે વાત કરતા કેટરિનાએ કહ્યું કે વિક્કી બહુ જ સમજદાર છે અને મને અનુકૂળ થવાના ઘણા પ્રયત્નો કરે છે. સાથે એણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેનો બિઝનેસ ભલે સારો ચાલતો હોય પણ તેનાથી તે ફિલમોથી દૂર જશે નહીં. તેણે કહ્યું હતું કે તે પોતે એક એક્ટર છે અને એ એના અસ્તિત્વનો એક ભાગ બની ગયો છે. જોકે, છેલ્લા ઘણા સમયથી કેટરિનાના ફૅન્સ તેની કોઈ નવી ફિલ્મની રાહમાં છે.